છ દાયકાથી ગુજરાતી ગઝલના પ્રાણસમા અમર પાલનપુરીનું જીવન - કવન
રમેશ પુરોહિત
અમર પાલનપુરી
ગુજરાતી ગઝલને લગભગ સવાસો વર્ષોનો ભવ્ય અને ભાતીગળ વારસો છે તેમાં એકલા અમર પાલનપુરીના છ દાયકા છે. એમની નજર સમક્ષ પડતી, આખડતી, પગભર થતી જાજવલ્યમાન, પરંપરાગત ગઝલનો જીવંત ઇતિહાસ છે. આજથી લગભગ 40 વર્ષ પહેલાં એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘ઉઝરડા’ પ્રગટ થયો તે પહેલાં અને તે પછી ગુજરાતી ગઝલના રંગ-મંડપમાં એમની હસ્તી અને હયાતી ગઝલના હસ્તાક્ષર બની ગઈ છે.
ગઝલના પાયામાં રહેલા અમીન આઝાદ સુરતને આંગણે અરબસ્તાનમાંથી આવે છે અને ગુજરાતીને માતૃભાષા કરતાં વધારે પ્યાર કરીને સુરતમાં પરંપરાગત ગઝલની પાઠશાળા સ્થાપે છે. મરીઝ, એ પાઠશાળાનું અણમોલ રત્ન છે. સુરત-રાંદેરનાં ગઝલ મંડળો થોડા સક્રિય હતાં ત્યારે અમરનો પ્રવેશ થાય છે. અમર પાલનપુરી એમના ગુરુ શૂન્ય પાલનપુરીએ આપેલું નામ છે. મૂળ નામ છે પ્રવીણચંદ્ર મણિલાલ મહેતા. મૂળ પાલનપુરના એટલે પાલનપુરી રાખ્યું છે. શૂન્યભાઈએ કહ્યું છે કે નામનું બંધન નથી પણ ઠામનું બંધન છે. પાલનપુર ઘરાનાનો આ શાયર યત્ન કરતાં કરતાં રત્ન પારખુ બને છે અને હીરા-માણેકનાં પાસાંઓની સાથે સાથે ગઝલના શબ્દોને તરાશેે છે, તપાસે છે અને તપશીલ કરે છે.
સુરતમાં ગઝલના પ્રચાર-પ્રસારના તથા મુશાયરોના પાયાના પથ્થર રતિલાલ ‘અનિલ’ નોંધે છે કે ‘પાલનપુરનો યુવાન અમર મુંબઈ પહોંચે છે. શાયરીના સંસ્કાર, સચોટ દેહયષ્ટિ, પ્રભાવક અવાજ અને અભિનય શક્તિએ એ રંગભૂમિનો કલાકાર બને છે. ગઝલ, ગઝલકારો, ગાયકોની સંગત તો ખરી જ પણ અમરમાં રહેલો ગઝલ સર્જક તો ગુજરાતી ગઝલના મક્કા ગણાતા સુરતમાં પોતાની જિંદગીના વહેણને એક નિર્ણાયક વળાંક આપીને આવે છે ત્યારથી પ્રગટ થાય છે... જીવનમાં દૃઢપણે સ્થિર થવાનો અમરનો એ જીવનકાળ. રંગભૂમિ છૂટી જાય છે. ધંધામાં કેન્દ્રિત થવાની અનિવાર્યતા છે, એ દરમિયાન લખે તો છે પણ એકધારી નહીં... પરંતુ સંસ્કાર, લય, પરંપરિત ભાવના અંતરના ઊંડાણમાંથી સરવાણી સ્વરૂપે પ્રગટ થાય છે. આ સહજતા એની ભાવાભિવ્યક્તિનું અનાયાસ વાહન બને છે. એમની લઘુ અને મધ્યમ બહેરની ગઝલો પરંપરિત ધારાએ ઉદ્ગારતી જોઈ શકાય છે. એમની બાની, રવાની અને વિષયવસ્તુ એ નાની બહેરની ગઝલો જુદી પડે છે.
અમરને સૂરીલા કંઠની ઈશ્ર્વરદત્ત બક્ષિસ એટલે મુશાયરોમાં પોતાના તરન્નુમથી છવાઈ જાય. આથી એમની ગઝલોમાં રસાયેલી પ્રવાહિતા છે.
પાલનપુર એ જમાનામાં અત્તર માટે પ્રખ્યાત હતું. પાલનપુરની આ ખુશ્બુની ખ્યાતિ ત્યાંના ગઝલકારોમાં છે. ફૂલના રંગ, ફૂલના રેશમી સ્પર્શ અને દિલો-દિમાગોને તરબતર કરતી ફોરમ ત્યાંના કવિઓની ગળથૂથીમાં હોય છે એટલે આપણને મળે છે ‘શૂન્ય પાલનપુરી’, ‘સૈફ પાલનપુરી’, ‘ઓજસ પાલનપુરી’ અને ‘અમર પાલનપુરી’.
અમરભાઈ 1લી સપ્ટેમ્બર, 2026ના રોજ 91 વર્ષનું કીર્તિમાન અને ફળદાયી આયુષ્ય પૂરું કરીને 92 વર્ષમાં પ્રવેશે છે. એમનો જન્મ 1લી સપ્ટેમ્બર, 1935માં થયો હતો. અમરભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી મુંબઈમાં આઇએનટીના નેજા હેઠળ અવેતન રંગભૂમિની દુનિયામાં પ્રવેશ કરી અને નામના મેળવી હતી.
સારા અને લોકપ્રિય ગઝલકાર બનવું મુશ્કેલ છે. શ્રોતાઓના હૈયે અને હોઠે વસી જવું મુશ્કેલ કામ છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે બોલાતી ભાષાના સરળ શબ્દોની પસંદગી, રચના શૈલી, લખવા ખાતર નહીં પણ એક આગવી વિશિષ્ટતા, છંદ શુદ્ધિ, પ્રતીકો અને રૂપકો વગેરેનો વિનિયોગ, રવાની ભાવકના મનમાં એક પ્રકારની કશિશ જન્માવે છે. અંતરમાં આળોટીને દિલના તારને ઝંખીકૃત કરતી રચના યશોદાયી બને છે. અમરની રચના તેની સરળતા અને અર્થ સંક્રાંતિને લીધે લોકભોગ્ય બની છે.
અત્યારની નવીન, આધુનિક કે પરિષ્કૃત ગઝલે મહત્ત્વનો પડાવ પાર પાડવાનો બાકી છે તે છે લોકોના હૈયે અને હોઠે વસી જવું. ગઝલનું આત્મલક્ષી સ્વરૂપ ગઝલકારે વ્યક્ત કરવા માટે પોતાની જાતને એકાકાર કરવી પડે. પ્રેમ એ ગઝલનો મુખ્ય વિષય છે.
પ્રેમની પાની દબાવીને આવતો વિરહ, વિરહ વ્યથા અને સૂક્ષ્મ ભાવ ગઝલનો આત્મા છે. આ બધું ન હોય તો ગઝલ પછી એ જૂની હોય કે નવી ગઝલ બનતી નથી. અમર પાલનપુરી ગઝલથી જરૂરિયાતોને સંતોષે છે, ગઝલના શબ્દોનું મનન કરે છે અને પછી યોગ્ય તગઝ્ઝૂલ સાથે પરવાન ચડાવે છે. અંગત જીવનમાં એકાદ આઘાત જીવનની તરાહ બદલી નાખે છે અને તેની અભિવ્યક્તિ ગઝલરૂપે આવે ત્યારે શાશ્ર્વતીને વરે છે:
હીરાનો પારખું હું ‘અમર’ જિંદગી મહીં,
પથ્થરથી ખાધી થાપ - મને એનો રંજ છે.
ગઝલની વેધકતા અને સોંસરવી ગતિ ગઝલના શેરમાં પ્રાણ પૂરે છે. ‘ઉઝરડા’ ગઝલ સંગ્રહનું નામકરણ જે શે’રથી આવ્યું છે તે મર્મવેધી શેર આ પ્રમાણે છે:
ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉજરડે!
જીવનમાં અને ખાસ કરીને કવિના જીવનમાં પ્રણયભંગ વધારે હોય છે અને તેથી તેની રચનામાં વ્યથા અને દર્દ છલકાતું હોય છે. માનવીના ‘શરીર પર એક ઉઝરડો પડે અને જીવ નીકળી જાય એવી સાંકેતિક ભાષામાં વાત કરી ગઝલકારે પોતાની પ્રખર સર્જનશક્તિનું દર્શન કરાવ્યું છે.’ જુઓ શેર:
ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું.
***
કવિએ ભલે મોટાભાગની ગઝલ બે કે ત્રણ છંદોમાં લખી હોય પણ છંદભંગ જોવા નથી મળતો. આજની આધુનિક ગઝલમાં છંદદોષ રિવાજ બની ગયો છે અને વૃત્તભંગ કે યતિભંગના દોષો દેખાય છે.
અમર પાલનપુરીની ગઝલમાં સર્વશ્રેષ્ઠ ગઝલ છે ‘અમર હમણાં જ સૂતો છે... શરૂઆતનાં મત્લા અને બે શેર માણીએ:
પવન ફરકે તો એ રીતે ફરક જે પાન ના ખખડે
કોઈને સ્વપ્નમાં માગી, અમર હમણાં જ સૂતો છે
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી, અમર હમણાં જ સૂતો છે
ગગન, પ્રગટાવ તુજ દીવડા; નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી, અમર હમણાં જ સૂતો છે
***
અમરભાઈએ મુક્તકો, ગઝલ અને ગીતો લખ્યાં છે પણ એમની પ્રાણપ્રતિષ્ઠા તો ગઝલમાં જ થઈ છે. એમનું એક મુક્તક જોઈએ:
સાજ આવ્યું હાથમાં ત્યાં સૂર સૌ ખૂટી ગયા
સાકીએ લીધી સુરાહી, જામ ત્યાં ફૂટી ગયા
જિંદગીભર જેના માટે ઝૂરતા બેઠા ‘અમર’
એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા.
***
ગઝલના સાત રંગના સરનામા જેવા એમના મેઘધનુષી શેરો માણવા જેવા છે. થોડાક ચિરંજીવી શેર આ પ્રમાણે છે:
બાળે છે શ્ર્વાસ ધૂપ અને દીપ આંખડી
લાગે છે દિલમાં યાદના મંત્રો ભણાય છે
***
રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
નહિતર આ ચૌદે લોક સૂનાં મકાન છે.
દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ ન મળે
આવી શકે તો આવ આ ખાલી મકાન છે
***
‘અમર’ એવા લડાવો લાડ ના દિલને જવાનીમાં
જીવન હળવું બની જાયે ને મૃત્યુનું વજન લાગે
***
નક્કી સમજજો એ જ હશે આપનો ‘અમર’
દિલ હો કોઈ ફકીરનું જો કોઈ બાદશાહમાં
***
આપણા અગ્રગણ્ય શાયર બેફામની જેમ ‘અમર’ પણ મક્તામાં મોટેભાગે મરણનો સંદર્ભ લાવે છે. જેમ કે:
આજ સુધરી જશે મોત ‘અમર’નું
સાંભળ્યું છે: એ પાછા વળે છે!
***
પોઢીશ ત્યારે આંખ ઉઘાડી હશે ‘અમર’
જોવું છે, કોનો સાથ છે અંતિમ સફર સુધી
***
મોત પર છે મીટ જીવનની ‘અમર’ એ કારણે
રોગ હદમાં છે, પરંતુ વેદનાને હદ નથી
***
અમર પાલનપુરી શતાયુ સુખરૂપે અને સ્વસ્થતાથી માણે અને આપણે પૂર્વ પેઢીના એકમાત્ર જીવંત સર્જકને સો સો સલામ કરીએ.