ઝડપથી આકાર લેતી અનેક વૈશ્ર્વિક ઘટના અને ઘરઆંગણે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ‘જેન-ઝી’ના આક્રમક વિરોધ વચ્ચે પણ ચીને ભારતના સીમા પ્રદેશોમાં ઘૂસણખોરી કરીને દેશના અમુક હિસ્સા પર કબજો જમાવી દીધાના સમાચારો વાર-તહેવારે ગાજ્યા કરે છે... ત્યારે કેન્દ્ર સરકાર એનો સંતોષકારક જવાબ પણ આપતી નથી ત્યારે એની નીતિ-રીતિ વધુ ઘેરી અને શંકાસ્પદ બનતી જાય છે... આખરે તો આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે.
વિજય વ્યાસ
ભારત - ચીનના સૈનિકો વચ્ચે 2020માં ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણ પછી ચીના ભારતની સરહદમાં ઘૂસીને ભારતની જમીન પચાવી રહ્યા હોવાના આક્ષેપો સતત થયા કરે છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તો ચીનની દાદાગીરી મુદ્દે મોદી સરકાર પાછળ હાથ ધોઈને પડ્યા છે. ‘ચીન આપણી જમીન હડપી રહ્યું છે ને મોદી સરકાર તમાશો જોઈ રહેવા સિવાય કશું નથી કરી રહી... ’ એવા આક્ષેપો રાહુલ ગાંધી છાશવારે કરે છે. મોદી સરકાર ચીન સરહદની વાસ્તવિકતા દેશથી છુપાવી રહી છે અને ભારતની જમીન હડપી રહેલા ચીનને કશું કરી શકતી નથી એવા આક્ષેપ પણ રાહુલ કર્યા કરે છે.
આ અગાઉ 2017 દરમિયાન ડોકલામમાં ચીને ભારતના 20 સૈનિકોની હત્યા કરી પછી ચીન સતત આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યું હોવાના આક્ષેપો પણ રાહુલ ઘણાં વરસોથી કરે છે.
બીજી તરફ, કેન્દ્ર સરકાર આ આક્ષેપોને નકારે છે અને રાહુલ ગાંધી જૂઠાણાં ફેલાવી રહ્યાના વળતા આક્ષેપ કર્યા કરે છે, પણ હમણાં ‘પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ (પીપીએ)’ એની ચાર સભ્યોની તથ્ય-શોધક સમિતિ એટલે કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ સરહદી વિસ્તારની મુલાકાત લઈને રજૂ કરેલા અહેવાલે મોદી સરકારને ફરી શંકાના દાયરામાં લાવી દીધી છે. આ રિપોર્ટ પ્રમાણે, ચીનનું લશ્કર ભારતીય જવાનોને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં સ્થળે પેટ્રોલિંગ કરવા નથી દેતું અને ચીને અરુણાચલ પ્રદેશમાં જમીન પર અતિક્રમણ કરીને ભારતનો મોટો પ્રદેશ પણ પચાવી પાડ્યો છે.
‘પીપીએ’ની ટીમ અરુણાચલ પ્રદેશના છેક અંદરના પહાડી જિલ્લા અપર સુબનસિરીની મુલાકાત લીધી હતી. ‘પીપીએ’ પક્ષના ઉપપ્રમુખ કાલિંગ જેરાંગના નેતૃત્વ હેઠળની ટીમના રિપોર્ટ પ્રમાણે, ભારતીય સશસ્ત્ર દળો એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રાજ્યના ‘ટાક્સિંગ’ (Taksing) વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શકતાં નથી અને ચીની દળો આ સાત મહિના દરમિયાન સરહદી વિસ્તારમાં સક્રિય રહીને નવાં નવાં બાંધકામ કર્યા કરે છે. આ ટીમને સ્થાનિક રહેવાસીઓએ એવું પણ કહ્યું કે, 2023માં ચીનની ‘પીપલ્સ લિબરેશન આર્મી’ (PLA) સાથેના ઘર્ષણ પછી ભારતીય લશ્કરે ‘શેરા- 5’ (Shera- 5) નામની સરહદી પેટ્રોલિંગ ચોકી છોડી દીધી છે અને તેના પર હવે ચીનનો કબજો છે. આ વિસ્તારમાં સદીઓથી ભારતીયો શિકાર કરીને ગુજરાન ચલાવતા, પણ હવે તેના પર ચીનનો કબજો છે. તેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે પણ સરકાર કશું કરતી નથી કરી શકતી નથી...
‘પીપીએ’ના રિપોર્ટમાં બીજી પણ ઘણી ચોંકાવનારી વાતો છે ને બધી વાતો અહીં વિસ્તારથી માંડી શકાય તેમ નથી પણ આ રિપોર્ટનો સાર એ છે કે, ચીન ભારતના વિસ્તારો ઓળંગી રહ્યું છે ને આપણી સરકાર કશું કરી શકતી નથી. આ રિપોર્ટ કૉર્ંગ્રેસે કે બીજા કોઈ ભાજપ વિરોધી પક્ષે આપ્યો હોત તો કદાચ તેને રાજકીય આક્ષેપબાજી ગણાવીને નકારી શકાય, પણ ‘પીપીએ’ ભાજપ વિરોધી પક્ષ નથી. અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે અને ‘પીપીએ’ આ સરકારમાં ભાગીદાર છે. આમ શાસક પક્ષનો જ સાથી પક્ષ જ સરહદે ચીન હાવી થઈ ગયું હોવાનો અને ભારતના પ્રદેશો પચાવી પાડ્યા હોવાનો અહેવાલ આપે ત્યારે તેને રાજકીય આક્ષેપબાજી ગણાવીને અવગણી ના શકાય.
ગયા મહિને અરુણાચલ પ્રદેશના સ્થાનિક આદિવાસી સંગઠન ‘નાહ વેલ્ફેર સોસાયટી’ (NWS)એ પણ સરકારને પત્ર લખીને ચીન ભારતની જમીન પચાવી રહ્યું હોવાનો આક્ષેપ કરેલો, નાહ વેલફેર સોસાયટી તો બિન-રાજકીય છે તેથી તેના પર પણ રાજકીય ફાયદા માટે જૂઠાણાં ચલાવવાનો આક્ષેપ કરી શકાય તેમ નથી. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં બે સંગઠનો દ્વારા કરાયેલા આક્ષેપો ગંભીર કહેવાય અને આ આક્ષેપો કેન્દ્ર સરકારની વિશ્વસનિયતા સામે શંકા ઊભી તો કરે જ છે. કમનસીબે મોદી સરકાર ચૂપ છે અને પીપીએના આક્ષેપો અંગે કોઈ નક્કર સ્પષ્ટતા કરવાથી દૂર ભાગી રહી છે.
બીજી તરફ, કેન્દ્ર સરકારના પ્રધાન કિરેન રિજિજુએ તો એવો શરમજનક બચાવ કર્યો છે કે, ભારત અને ચીન વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી નથી તેથી ક્યો વિસ્તાર ભારતનો અને ક્યો ચીનનો એ નક્કી કરવું મુશ્કેલ છે તેથી ચીને આપણી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ ના કરી શકાય...!
આવા આ પ્રધાનશ્રીનો આવો વાહિયાત બકવાસ સાંભળ્યા પછી એ ભારતીય છે કે ચીનનો દલાલ છે એવો સવાલ થાય છે.! તમારો સાથી પક્ષ કહી રહ્યો છે કે, ચીને આપણી જમીન પચાવી પાડી છે છતાં તમે આ વાત સાચી માનવા તૈયાર નથી એ કેવું કહેવાય ? સ્થાનિક લોકો ચીને શિકાર માટેનાં જંગલ અને મેદાન પચાવી પાડ્યાં હોવાનું કહ્યું છે એ પણ તમે માનવા તૈયાર નથી એ પણ કેવું?!
બીજું બધું છોડો, પણ ‘પીપીએ’ના રિપોર્ટમાં ઉલ્લેખ છે એ શેરા- 5 ચોકી કેમ છોડી દીધી તેની તો ચોખવટ પણ એ હજુ સુધી કેમ નથી થઈ?. આ ચોકી તો સરહદ નક્કી નહોતી છતાં ભારતના કબજામાં જ હતી તો હવે કેમ નથી?
સવાલો બહુ બધા છે, પણ આપણા રક્ષા મંત્રી કે સરકાર પાસે કોઈના જવાબ નથી અને જે જવાબ અપાય છે એ બધા ઉપરછલ્લા છે.
આ બધા વચ્ચે આઘાતજનક વાત એ પણ છે કે, ચીન સામે ભારતીયોમાં આક્રોશ છે ત્યારે ભારત સરકાર તો ચીનના પ્રમુખ શી જિનપિંગની પરોણાગતની તડામાર તૈયારીમાં લાગેલી છે. જિનપિંગ ‘બ્રિક્સ સમિટ’માં ભાગ લેવા માટે 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પધરામણી કરવાના છે. જિનપિંગને લાલ જાજમ પાથરીને વધાવવા માટે કેન્દ્ર સરકાર થનગની રહી છે ને બીજી તરફ પોતાના જ સાથી પક્ષના રિપોર્ટ વિશે સાવ ચૂપ છે.
ચીન મુદ્દે સરકારનો આ ચુપકીદી સેવી લેવાનો આ અભિગમ અકળાવનારો તો છે જ. સમય પહેલાં આપણા ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ મનોજ નરવણેએ નિવૃત્તિ પછી લખેલા પુસ્તકનો મુદ્દો ચગ્યો ત્યારે પણ સરકારે આ અભિગમ જ અપનાવેલો. એ વખતે પણ રાહુલ ગાંધીએ દાવો કરેલો કે, જનરલ નારવણેએ તેમના પુસ્તકમાં ચીન મુદ્દે નરેન્દ્ર મોદીએ હાથ અધ્ધર કરીને કાયરતા બતાવી હોવાનું લખ્યું તેના કારણે મોદી સરકાર આ પુસ્તકને પ્રકાશિત થવા દેતી નથી. રાહુલે પુસ્તકની કહેવાતી નકલ મીડિયાને બતાવીને આક્ષેપ કરેલો કે, ચીને હુમલો કર્યો ત્યારે જનરલ નરવણેએ વડા પ્રધાનને કોલ કરીને ‘હવે આર્મી શું કરે?’ એમ પૂછ્યું હતું ત્યારે એમને જવાબ મળ્યો હતો કે ‘તમને ઠીક લાગે એ કરો...!’
એ વખતે કૉંગ્રેસનું કહેવું હતું કે, જનરલ નરવણેનું પુસ્તક પ્રકાશિત થાય તો નરેન્દ્ર મોદીએ પોતાની જે મર્દાના ઈમેજ ઊભી કરી છે તેનો ભાંગીને ભુક્કો થઈ જાય... ચીને ભારતની જમીન પચાવી પાડી એ વાત પર સરકાર ઢાંકપિછોડો કરે છે તેનો પણ ભાંડો ફૂટી જાય, તેથી સરકાર પુસ્તક તો પ્રકાશિત નથી જ થવા દેતી અને લોકસભામાં પણ આ પુસ્તકના અંશ વાંચવા નથી દેતી. !
માની લીધું રાહુલ ગાંધી વિપક્ષમાં છે તેથી સરકાર તેનો જવાબ ભલે ના આપે પણ પોતાના સાથી પક્ષના આક્ષેપોનો જવાબ આપવો જ જોઈએ, કેમ કે સરકારના મૌનના કારણે ચીન મુદ્દે મોદી સરકારની નીતિ અને વલણ શંકાસ્પદ હોવાની માન્યતા પ્રબળ બનતી જાય છે. ‘ચીન લદાખ સરહદે મોટા પાયે બાંધકામ કરી રહ્યું છે એવા રિપોર્ટ્સ વારંવાર અપાય છે. સેટેલાઈટ તસવીરોના કહેવાતા પુરાવા પણ રજૂ કરાય છે, પણ કેન્દ્ર સરકાર મૌન જ રહે છે તેના કારણે રહસ્ય ઘેરું થઈ રહ્યું છે.
આ બધા વચ્ચે કોઈ કોઈ વાર ભારત સરકાર ‘ચીને એક પણ ઈંચ જમીન નથી પચાવી’ એ રેકર્ડ વગાડી દે છે પણ તેની વાત પર ભરોસો બેસે એવું કશું કરતી નથી. સંસદનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલીને સરહદી વિસ્તારમાં શું સ્થિતિ છે તેનું સત્ય સરકારે પ્રજા સામે મૂકવું જોઈએ કેમ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો છે.