(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટ પણ સાધારણ સુધારા સાથે બંધ રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે 95.71ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, મધ્ય પૂર્વના ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 90 ડૉલરની ઉપર જ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.71ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.69ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.75 અને ઉપરમાં 95.65 સુધી મજબૂત થયા બાદ અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે 95.71ના મથાળે રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો એક પૈસો નબળો પડ્યો હતો.
હાલમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહે છે, પરંતુ ક્રૂડતેલના ભાવની ઊંચી સપાટીને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહે છે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા નબળી પડતા રૂપિયાને અમુક અંશે ટેકો મળી રહ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયાની રેન્જ 95.50થી 96 આસપાસની રહી શકે છે.
દરમિયાન ગઈકાલે સરકારે નિકાસકારો માટે દરિયાપારનાં વેચાણના ઈન્વોઈસ સરળ બનાવવા અને વેચાણની રકમ ભારતીય રૂપિયામાં મેળવવા માટે ફોરેન ટ્રેડ પૉલિસીની અમુક જોગવાઈઓમાં સુધારા કર્યા હતા. જેમાં એશિયન ક્લિયરિંગ યુનિયન (એસીયુ)ની બહારનાં નિકાસ કોન્ટ્રાક્ટ અને ઈન્વોઈસીસ હવે કોઈપણ વિદેશી ચલણ અથવા તો ભારતીય રૂપિયામાં થઈ શકે છે. અગાઉ નિકાસ રળતર સામાન્યપણે મુક્ત ક્નવર્ટિબલ ચલણમાં પ્રાપ્ત થતું હતું.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.25 ટકા ઘટીને 98.65 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 0.42 ટકા ઘટીને બેરલદીઠ 93.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 3.11 પૉઈન્ટ અને 20.15 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યા હતા. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 583.36 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.