Mon Sep 14 2026

Logo

વર્લ્ડ બૅડમિન્ટનમાં ભારતની આ બે જોડી ક્વૉર્ટર ફાઇનલમાં, પણ સિંધુ હારી ગઈ

2026-08-20 22:30:45
Author: Ajay Motiwala
વર્લ્ડ બૅડમિન્ટનમાં ભારતની આ બે જોડી ક્વૉર્ટર ફાઇનલમાં, પણ સિંધુ હારી ગઈ

PTI


નવી દિલ્હીઃ અહીં બૅડમિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મલયેશિયાના જુનૈદી આરિફ તથા યૅપ રૉય કિંગને 21-23, 21-19, 21-7થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મહિલાઓમાં તાજેતરમાં અર્જુન અવૉર્ડથી સન્માનિત ટ્રીશા જૉલી તથા ગાયત્રી ગોપીચંદની જોડી પણ ક્વૉર્ટરમાં પહોંચી છે. તેમણે પ્રી-ક્વૉર્ટરમાં જાપાની જોડી રિન ઇવાનૅગા અને કી નાકાનિશીની જોડીને 21-16, 21-12થી પરાજિત કરી હતી.

મહિલાઓની ડબલ્સમાં ભારતની જોડી વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હોય એવું 11 વર્ષે ફરી બન્યું છે. આ પહેલાં 2015માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પા આ સ્પર્ધાની ક્વૉર્ટરમાં પહોંચી હતી.

જોકે મહિલાઓમાં ભૂતપૂર્વ વિશ્વ વિજેતા પી. વી. સિંધુ અને પુરુષોમાં આયુષ શેટ્ટીએ પરાજય જોવો પડ્યો હતો. સિંધુ છઠ્ઠું વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતવામાં નિષ્ફળ ગઈ છે. તેનો ચીનની વર્લ્ડ નંબર-થ્રી પ્લેયર વૉન્ગ ઝી યીએ 11-21, 21-15, 17-21થી પરાજય થયો હતો.