મુંબઈઃ રિયાલિટી શો ‘ભોજપુરી બબાલ’ હાલમાં માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે ભોજપુરી સિનેમાના આંતરિક વિવાદો અને વિવાદસ્પદ કિસ્સાઓનો અરીસો બની ગયો છે. શોમાં કાજલ રાઘવાની, પવન સિંહ (પાવર સ્ટાર) અને ખેસારી લાલ યાદવ વચ્ચે શરૂ થયેલી આમનેસામને થયેલા જંગથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.
કાજલ રાઘવાનીના પવન સિંહ પર ગંભીર આરોપો
શોના એક એપિસોડમાં કાજલ રાઘવાનીએ સુપરસ્ટાર પવન સિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. કાજલના જણાવ્યા મુજબ, ફિલ્મ ‘કૈસે હો જાલા પ્યાર’ના શૂટિંગ દરમિયાન પવન સિંહે સ્ક્રિપ્ટમાં ન હોવા છતાં અચાનક ‘કિસિંગ સીન’ ઉમેરવાની જીદ કરી હતી. જ્યારે તેણે આ સીન કરવાની સ્પષ્ટ ના પાડી, ત્યારે પવન સિંહ ગુસ્સે થઈ ગયા હતા અને સેટ છોડીને જતા રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે ભવિષ્યમાં કાજલ સાથે ક્યારેય કામ ન કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે મામલો ગરમયો છે.
કાજલ રાઘવાની આક્ષેપ કર પવન સિંહે કર્યો પલટવાર
રિયાલિટી શોના આ પ્લેટફોર્મ પર પવન સિંહે દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ સાથે વાતચીત દરમિયાન આ આરોપોનો જવાબ આપ્યો હતો. પવન સિંહના મતે, કાજલે ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મોમાં આવા સીન્સ કર્યા છે. પરંતુ શૂટિંગના છેલ્લા દિવસે કામમાં વિઘ્ન નાખવાના અને વિવાદ ઊભો કરવાના ઈરાદાથી જ તેણે આ સીન કરવાનો ઈનકાર કર્યો હતો. પવન સિંહે ઉમેર્યું કે કાજલના આવા વલણને કારણે જ તેમણે પોતે સેટ છોડ્યો હતો.
ખેસારી લાલ યાદવ પર 'કોમ્પ્રોમાઇઝ'નો આક્ષેપ
કાજલ રાઘવાનીના નિશાના પર માત્ર પવન સિંહ જ નહીં, પરંતુ ખેસારી લાલ યાદવ પણ આવ્યા છે. કાજલે ઈશારા-ઈશારામાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે ખેસારી હીરોઈનોને પોતાની ફિલ્મોમાં લેવા માટે ‘કોમ્પ્રોમાઇઝ’ કરવાની શરત મૂકે છે. ઉલ્લેખનીય છે કે કાજલ અને ખેસારી લગભગ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા, પરંતુ બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. હવે કાજલે ખેસારી પર મોટો અને ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
ઈન્ડસ્ટ્રીની પોલ ખોલવા કાજલ લાવશે ગીત
આ વિવાદ વચ્ચે શોની અન્ય સ્પર્ધક રાની ચેટર્જીએ કાજલને સાંત્વના આપતા સૂચન કર્યું હતું કે તેણે પોતાના દર્દ અને અન્યાયનો જવાબ આપવા માટે એક ગીત બનાવવું જોઈએ. કાજલ રાઘવાનીએ એક સોંગ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હોવાનું પણ જણાવ્યું હતું. આ ગીત દ્વારા તે ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું અંદરનું સત્ય, પવન સિંહ સાથેનો સીન વિવાદ અને ખેસારી લાલ સાથે જોડાયેલા કિસ્સાઓનો પર્દાફાશ કરશે.