Sun Aug 23 2026

Logo

નવીનતા, ડિઝાઈન અને વૈશ્વિક બ્રાન્ડિંગ જેમ અને જ્વેલરીની નિકાસ 100 અબજ ડૉલર સુધી પહોંચાડી શકેઃ વાણિજ્ય સચિવ

2026-08-20 19:49:38
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ નવાં સંશોધનો, બ્રાન્ડિંગ અને વૈશ્વિક ડિઝાઈનો મારફતે એક વિસ્તૃત ઈકોસિસ્ટમ રત્નો અને આભૂષણો અર્થાત્‌‍ જેમ અને જ્વેલરીની નિકાસને વર્ષ 2040 સુધીમાં 100 અબજ ડૉલર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે, એમ વાણિજ્ય સચિવ રાજેશ અગરવાલે આજે જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષ 2025-26માં નિકાસ 28 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, વર્ષ 2040 સુધીમાં દેશનાં જીડીપીમાં આ ક્ષેત્રનો હિસ્સો 1.2 રહેવાનો અને દેશની કુલ મર્કન્ડાઈઝ નિકાસમાં હિસ્સો 14 ટકા રહેવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. 

અત્રે યોજાયેલી ચિંતન શિબિરને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભારતની જેમ અને જ્વેલરી ક્ષેત્રની નિકાસને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવા માટેનું પ્રેરક પરિબળ નવીનતા, વૈશ્વિક ડિઝાઈન અને વિશ્વાસ દ્વારા સંચાલિત વ્યાપક ઈકોસિસ્ટમનું નિર્માણ છે. 

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની શક્તિ સોના, ચાંદી અથવા તો કાચા હીરાના ખનનમાં નથી, પરંતુ કુશાગ્ર કારીગરોનાં વિપુલ ભંડારમાં રહેલી છે. મૂળભૂત ઉત્પાદન કરતાં તેની ડિઝાઈન, નવીનતા અને વૈશ્વિક બ્રાન્ડિંગ મારફતે વધુ સંપત્તિનું સર્જન થશે. આથી તેમણે માનવબળની મૂડીમાં રોકાણ, કૌશલ્યતાનાં વિકાસ અને ઉત્પાદનમાં વૈવિધ્યતા પ્રાપ્ત કરવા માટે અત્યાધુનિક એવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને થ્રી ડી પ્રિન્ટિંગ જેવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશનાં સોફ્ટ પાવરને મજબૂત કરવા માટે ભારતનાં સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિને જ્વેલરીની ડિઝાઈનમાં એકિકૃત કરવી જોઈએ, જ્યારે યુવા પેઢીઓની વિકસતી પસંદગીઓને પ્રતિભાવ આપવા માટે સ્થાનિક અને નિકાસ બજારોમાં પારદર્શક અને ટેક્નોલૉજી આધારિત ટ્રસ્ટ નેટવર્ક સ્થાપવા જોઈએ.