Mon Aug 24 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ વચ્ચે અમદાવાદમાં ડુપ્લિકેટ વિદેશી દારૂનું નેટવર્ક પકડાયું, એકની ધરપકડ

2026-08-21 16:30:05
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટનામાં ૯ લોકોના મોતના ચકચારી બનાવની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) અને નિકોલ પોલીસે સયુંકત કાર્યવાહી હાથ ધરીને નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાનું અને વેચવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. 

નિકોલમાં આવેલી આવાસ યોજના નજીકથી પોલીસે સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાની ધરપકડ કરી હતી, જ્યારે તેનો સાગરીત દિનેશ જાંડાવાલા સહિત અન્ય એક આરોપી ફરાર હોવાથી તેમની શોધખોળ આદરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી 750 એમએલની શંકાસ્પદ વિદેશી દારૂની બોટલ અને રૂ.5 હજારનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી તેમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવતા હતા. ત્યારબાદ મોંઘી બ્રાન્ડના નકલી સ્ટીકર, સીલ અને ઢાંકણ લગાવી તેને અસલી પ્રીમિયમ દારૂ તરીકે ગ્રાહકોને ઊંચા ભાવે વેચવામાં આવતો હોવાનો પોલીસનો આરોપ છે. 

સાગરીત આરોપી દિનેશ જાંડાવાલા ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકરો અને સીલની વ્યવસ્થા કરતો હોવાની માહિતી પણ પોલીસને મળી હતી. આ સામગ્રી ચામુંડા બ્રિજ નજીક સ્ક્રેપનો વ્યવસાય કરતા વ્યક્તિ પાસેથી મેળવાતી હોવાની તપાસમાં વિગતો બહાર આવી હતી.

સુનિલની પૂછપરછના આધારે પોલીસ દિનેશના કુબેરનગર સ્થિત ઘરે પહોંચી હતી, પરંતુ તે ત્યાં મળ્યો નહોતો. ઘરમાંથી ચાર પ્લાસ્ટિકની બોટલ, શંકાસ્પદ પ્રવાહી ભરેલા ચાર કન્ટેનર, આધારકાર્ડ અને વિવો મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે રૂ. 6,500થી રૂ.9,500 હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

નિકોલ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે દારૂ, ખાલી બોટલ, સ્ટીકર અને સીલનો પુરવઠો ક્યાંથી આવતો હતો તેમજ આ નેટવર્ક નિકોલ પૂરતું મર્યાદિત હતું કે અન્ય વિસ્તારો સુધી ફેલાયેલું હતું તે અંગે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.