ભુજ: બનાવટી દસ્તાવેજોના આધારે રૂપિયા 804.30 કરોડની કરચોરી અને છેતરપિંડી આચરવા બદલ ગાંધીધામમાં આવકવેરા વિભાગે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત નવ લોકો સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આવકવેરા વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ એકસંપ થઈને ખોટા પ્રમાણપત્રો (ફોર્મ ૧૫-સીબી) તૈયાર કર્યા હતા અને તેનો સચોટ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
આ પ્રકરણમાં આઇટી ઇન્સ્પેક્ટર નિખિલ પાટીદારે સીએ પુનિલકુમાર દાંડ, નિખિલ મિશ્રા, રાહુલ સાધુ, કરણ અગ્રવાલ, રવીન્દ્ર કેલા, પ્રવીણ જૈન, શૈલેન્દ્ર શેહરાવત, આલોક મિત્તલ અને અજયકુમાર અખાની સામે નામજોગ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં નાણાં વિદેશ મોકલનાર સંસ્થાઓના ડિરેક્ટરો, વચેટિયાઓ, હેન્ડલરો અને બેંક કર્મચારીઓની સંડોવણી અંગેની પણ તપાસ આરંભી છે.
આવકવેરા વિભાગ તરફથી તમામ સંબંધિત દસ્તાવેજો મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી વેગવંતી બનાવાશે. હાલમાં આ કેસમાં કોઈની અટકાયત કરવામાં આવી નથી તેમ તપાસનીશ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે. રાઠોડે જણાવ્યું હતું. અત્યારે આ કેસમાં તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.