ભુજઃ વાતાવરણમાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષોભના કારણે રણપ્રદેશ કચ્છ સહિત સમગ્ર ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં, બુધવારથી શુક્રવાર દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હાલ કચ્છ જિલ્લામાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઊંચા ભેજ અને ગાઢ ઝાકળવર્ષાના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક અને ભીનાશ વર્તાય છે, જ્યારે બપોરે આકરો તાપ અને ઉકળાટ જોવા મળે છે. તાપમાનના આંકડા મુજબ, ભુજમાં મહત્તમ તાપમાન ઊંચકાઈને ૩૫ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું, જ્યારે શીતમથક નલિયામાં લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રી નોંધાતાં સવારે શીતળતા રહી હતી. જિલ્લાના અન્ય મથકો પર મહત્તમ પારો ૩૩થી ૩૫ ડિગ્રી અને લઘુતમ પારો ૨૩થી ૨૬ ડિગ્રી વચ્ચે નોંધાયો છે. ચોમાસાની વિદાય રેખા હાલ નલિયા અને ડીસા પરથી પસાર થઈ રહી છે, છતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
બીજી તરફ, દેશના હવામાન પટલ પર બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ્સ સહિત કુલ પાંચ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બે ટ્રફ રેખાઓ સક્રિય હોવાના કારણે નૈઋત્યના ચોમાસાની વિદાય લંબાઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મ્યાનમાર તટ, પૂર્વી ઉત્તર પ્રદેશ, આસામ, અરબી સમુદ્ર અને તમિલનાડુ-આંધ્ર તટ પર ચક્રવાતી પરિભ્રમણ છવાયેલું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ તથા હિમવર્ષાના પગલે ઉત્તર ભારત સહિત દિલ્હી-એનસીઆરમાં વહેલી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ પરિસ્થિતિને જોતાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી દક્ષિણ તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદી દોર જારી રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં તબક્કાવાર હવામાન શુષ્ક બનશે.
(ઉત્સવ વૈદ્ય)