Mon Oct 05 2026

Logo

ગાંધીધામમાં યુવતીને સીઝ થયેલું મકાન અપાવવાની લાલચ આપી રૂ. ૮.૭૦ લાખની છેતરપિંડી

2026-09-30 14:38:45
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં યુવતીને સીઝ થયેલું મકાન અપાવવાની લાલચ આપી રૂ. ૮.૭૦ લાખની છેતરપિંડી

યુવતીના નામે કાર ખરીદી હપ્તા ભર્યા વિના આરોપી વતન યુપી ભાગી ગયો: વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ

ભુજ: ગાંધીધામમાં એરટેલ સ્ટોરમાં મેનેજર તરીકે ફરજ બજાવતી એક યુવતીને બેંક દ્વારા સીઝ કરાયેલું મકાન સસ્તામાં અપાવવાની લાલચ આપી રૂ. ૮,૭૦,૦૦૦ની રોકડ પડાવી લેવા ઉપરાંત તેના નામે કાર ખરીદી હપ્તા ન ભરી વિશ્વાસઘાત આચરનારા ભેજાબાજ શખ્સ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મહેશ્વરીનગરમાં રહેતી શારદાબેન કાનજી નોરિયા વર્ષ ૨૦૨૦માં મોબાઇલ સિમકાર્ડ વેચાણની કામગીરી કરતી હતી. તે દરમિયાન દેવકરણ રવિકરણ વર્મા નામનો શખ્સ સિમકાર્ડ લેવા માટે તેની ઓફિસે આવ્યો હતો અને પોતે મકાન-જમીન લે-વેચની દલાલી કરતો હોવાની ઓળખ આપી પરિચય કેળવ્યો હતો.

વાતચીત દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા અંબાજી-૧૦ વિસ્તારમાં પ્લોટ નં. ૭૮, ૭૯, ૮૦ અને ૮૧ એમ ચાર પ્લોટમાં બનેલું એક મકાન સીઝ કરવામાં આવ્યું છે. જો તેમને આ મિલકત ખરીદવી હોય તો પોતે બેંક સાથે સેટલમેન્ટ કરાવીને અત્યંત વ્યાજબી ભાવે અપાવી દેશે. યુવતીએ પોતાના પિતા સાથે સ્થળ પર જઈ મકાન જોયા બાદ સોદો નક્કી કર્યો હતો. આરોપીએ કામકાજના બહાને નાણાંની માંગણી કરતાં યુવતીએ તબક્કાવાર ઓનલાઇન તેમજ રોકડ સ્વરૂપે કુલ રૂ. ૮,૭૦,૦૦૦ ચૂકવી દીધા હતા.

નાણાં મેળવી લીધા બાદ આરોપી મકાનનો કબજો કે દસ્તાવેજ કરી આપવાને બદલે માત્ર વાયદાઓ કરતો હતો અને બેંકમાં કાર્યવાહી ચાલુ હોવાનું રટણ કરતો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન આરોપીએ ફરિયાદી યુવતીને વિશ્વાસમાં લઈ તેના નામે એક કાર (નંબર જીજે-૧૨-એફબી-૬૧૬૩) ફાઇનાન્સ કરાવી લીધી હતી. થોડા સમય બાદ આરોપી પોતાનું પોત પ્રકાશીને કાર લઈને પોતાના મૂળ વતન મથુરા (ઉત્તર પ્રદેશ) નાસી ગયો હતો.

બીજી તરફ, કારના માસિક હપ્તા બાઉન્સ થતાં ફાઇનાન્સ બેંક તરફથી ફરિયાદી યુવતીને ઉઘરાણી માટે ફોન આવવા લાગ્યા હતા. પોતે મકાન અને કાર બંને બાબતે છેતરાઈ હોવાનો સ્પષ્ટ અહેસાસ થતાં અંતે શારદાબેને ગાંધીધામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દેવકરણ વર્મા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કવાયત આદરી છે.

ઉત્સવ વૈદ્ય