Tue Oct 06 2026

Logo

બોરીવલીની રેસ્ટોરાંના ઢોસામાંથી નીકળ્યો મૃત ઉંદર, ગ્રાહકની તબિયત બગડતા FDAની કાર્યવાહી

2026-09-30 15:47:00
Author: Mumbai Samachar Team
બોરીવલીની રેસ્ટોરાંના ઢોસામાંથી નીકળ્યો મૃત ઉંદર, ગ્રાહકની તબિયત બગડતા FDAની કાર્યવાહી

Image Credit : Lokmat Times


મુંબઈ: મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટીને લઈ એફડીએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે અનેક રેસ્ટોરા અને દુકાનોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે બોરીવલીની જાણીતી રેસ્ટોરાંમાં ચોંકાવનારી ફરિયાદ મળી હતી. બોરીવલી વેસ્ટ સ્ટેશન નજીક એલ. ટી. રોડ પર ગોયલ શોપિંગ સેન્ટરની સામે આવેલી રાધાકૃષ્ણની હોટેલમાં પીરસવામાં આવેલા મૈસૂર મસાલા ઢોસામાં મૃત ઉંદર નીકળ્યો હોવાનો આક્ષેપ એક ગ્રાહકે કર્યો હતો. આ ઘટનાને પગલે બોરીવલી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, ત્યાર પછી તપાસ માટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) સુધી પહોંચ્યો હતો.

ફરિયાદ મુજબ ફરિયાદી પોતાના બે ભાઈઓ અને પુત્ર સાથે સાઉથ ઇન્ડિયન ફૂડ જમવા માટે હોટેલ પહોંચ્યા હતા. તેમણે મૈસૂર મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોસાના થોડા કોળિયા ખાધા બાદ તેમને તેની અંદર એક મૃત ઉંદર જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોઈને તેઓ એટલા ગભરાઈ ગયા કે તેમને તરત જ ઊલટી થઈ હતી ત્યાર બાદ ઘટનાની જાણ બોરીવલી પોલીસને કરવામાં આવી હતી. 

ઘટના બાદ બોરીવલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ફરિયાદને એફડીએ સુધી મોકલી હતી. બોરીવલી પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરએ ફરિયાદ એફડીએને મોકલવામાં આવી હોવાનું જણાવ્યું છે અને મામલે વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ પણ રેસ્ટોરા સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ જણાવ્યું હતું.

આ ફરિયાદ બાદ એફડીએએ રાધાકૃષ્ણ હોટેલનું ફૂડ લાઇસન્સ હાલ પૂરતું સસ્પેન્ડ કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે મહારાષ્ટ્રમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થો વેચતી દુકાનો, હોટેલ અને રેસ્ટોરા સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીની તપાસ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ ચાલી રહી છે. 

એફડીએની આ ઝુંબેશ દરમિયાન મુંબઈ સહિત રાજ્યના અનેક ખાદ્ય સંસ્થાનો સામે કાર્યવાહી થઈ છે. મુંબઈની જાણીતી ક્યાની એન્ડ કંપનીની તપાસમાં ઉંદર, જીવતી માખીઓ, મૃત વંદા અને બિલાડીઓ જોવા મળ્યાના અહેવાલ બાદ તેનું એફએસએસએઆઈ લાઇસન્સ સસ્પેન્ડ કરાયું હતું. તપાસ દરમિયાન ફૂડ સ્ટોરેજ અને ભોજન તૈયાર કરવાની જગ્યાઓમાં ગંભીર સ્વચ્છતા સંબંધિત ખામીઓ પણ સામે આવી હતી. 

બોરીવલીની આ ઘટનાએ રેસ્ટોરામાં સ્વચ્છતા, ઉંદર-જીવાત નિયંત્રણ અને ખાદ્યપદાર્થોની સલામતી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. જોકે ઢોસામાં મૃત ઉંદર મળ્યાનો દાવો હાલ ફરિયાદ અને અહેવાલોના આધારે છે અને સમગ્ર મામલે સત્તાવાર તપાસ ચાલી રહી છે. એફડીએની તપાસ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.