Sat Sep 05 2026

Logo

ઋષભ પંતના છગ્ગાએ તોડી સોલાર પેનલ, જુઓ વીડિયો

Colombo   2026-08-24 13:01:00
Author: Mayur Patel
ઋષભ પંતના છગ્ગાએ તોડી સોલાર પેનલ, જુઓ વીડિયો

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો બીજો દિવસ છે.  લંચ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 419/6 હતો. પંત 66 રન (ચાર ચોગ્ગા, બે છગ્ગા) અને ધ્રુવ જુરેલ 59 રન (પાંચ ચોગ્ગા) સાથે રમતમાં હતા. ગઈકાલે શ્રીલંકાના ફાસ્ટ બૉલર લાહિરુ કુમારાનો બાઉન્સર પંતના હાથના કાંડા પર વાગ્યો હતો. જે બાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો. આજે સારાંશ જૈનની વિકેટ પડ્યા બાદ પંત ફરી રમતમાં આવ્યો હતો.

બીજા દિવસે બેટિંગ દરમિયાન લાહિરુ કુમારાએ જ્યારે પંતને નિશાન બનાવીને ફરી એકવાર લેગ સાઇડ પર બાઉન્સર ફેંક્યો, ત્યારે આ વખતે ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંપૂર્ણપણે તૈયાર હતો. પંતે આંખના પલકારામાં બોલને ફાઇન લેગ ઉપરથી પુલ કરીને સીધો સ્ટેડિયમની છત પર પહોંચાડી દીધો. આ છગ્ગો એટલો વિશાળ હતો કે બોલ સ્ટેડિયમ પાર કરી ગયો હતો. છગ્ગાનું અંતર 95 મીટર હતું. આ સિક્સરના કારણે SSC સ્ટેડિયમની છત પર લાગેલી સોલાર પેનલ પણ તૂટી ગઈ હતી.

ચોથા અમ્પાયરે નવા બોલનું બોક્સ લાવવું પડ્યું

પંતના આ ખતરનાક શૉટ બાદ બૉલ મેદાનની બહાર જતો રહ્યો હતો, જેના કારણે રમતને થોડા સમય માટે રોકવી પડી હતી. મેચ ચાલુ રાખવા માટે ચોથા અમ્પાયરે તાત્કાલિક નવા બૉલનું બોક્સ લઈને મેદાન પર આવવું પડ્યું હતું. પંતની આ તોફાની વાપસીએ મેદાનમાં હાજર દર્શકો અને કોમેન્ટેટર્સને પણ રોમાંચિત કરી દીધા હતા. 

પંતે બોલરને પોતાની ભાષામાં જવાબ આપ્યો

ઋષભ પંતની આ નીડર બેટિંગે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે પોતાની આક્રમક શૈલીના દમ પર કોઈપણ બોલરને જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. જે બોલરના બોલ પર તે એક દિવસ પહેલા ઇજાગ્રસ્ત થઈને બહાર ગયો હતો, તે જ બોલરના તેવા જ બોલને મેદાન બહાર મોકલીને પંતે માત્ર પોતાના ઇરાદા જ સ્પષ્ટ નહોતા કર્યા, પરંતુ મેચમાં ભારતીય ટીમની સ્થિતિને પણ વધુ મજબૂત બનાવી દીધી હતી.