અમદાવાદઃ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં સજા કાપી રહ્યા છે. આ કેસમાં ચૈતર વસાવાએ ગુજરાત હાઈ કોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઈ કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો ઈનકાર કરતા અરજી નામંજૂર કરી હતી. કોર્ટે કહ્યું કે, જામીન મંજૂર કરવાથી ખોટો મેસેજ જઈ શકે છે.
હાઈ કોર્ટે શું કહીને જામીન અરજી નામંજૂર કરી
હાઈ કોર્ટે કહ્યું, તેમને અગાઉ જામીન શરતોના નિયમોનો ભંગ નહીં કરવાની શરતે છોડ્યા હતા, છતાં ક્રાઇમમાં સંડોવાયા છે. સામાન્ય લોકોમાં ગેરસમજ ઊભી થાય છે કે સત્તામાં હોય તે લોકો છૂટી જાય છે. જો તેમને જામીન આપવામાં આવે તો ખોટો મેસેજ જઈ શકે છે.
શું છે મામલો
વન વિભાગના અધિકારીઓએ સરકારી વન જમીન પર દબાણ કરીને ઉગાડવામાં આવેલા કપાસનો પાક દૂર કર્યો હતો અને જપ્ત કરાયેલી ઉપજની હરાજી કરી હતી. એફ.આઈ.આર.માં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચૈતર વસાવાએ જમીન વિવાદ અંગે વન વિભાગના અધિકારીને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા, તેમની સાથે મારપીટ કરી, ધમકી આપી હતી અને વળતર પેટે રૂ. 60 હજારની માંગણી કરી હતી.
હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
તપાસકર્તાઓએ વધુમાં દાવો કર્યો હતો કે ધારાસભ્યએ અધિકારીઓ સાથે ગાળાગાળી કરી હતી, તેમના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી, પોતાના નિર્માણધીન મકાનમાંથી રિવોલ્વર મંગાવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે વન કર્મચારીઓને ધમકાવીને એટીએમમાંથી નાણાં ઉપાડીને એક ખેડૂતને સોંપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
નર્મદાની ટ્રાયલ કોર્ટે ફટકારી હતી સજા
નર્મદાની ટ્રાયલ કોર્ટે 23 જૂને પોતાનો ચુકાદો આપતાં ગેરકાયદે મંડળી રચવી, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ ઊભી કરવી, ગુનાહિત ધાકધમકી આપવી અને જબરદસ્તીથી પૈસા પડાવવા સહિતની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ચૈતર વસાવા અને શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે દરેકને સાત વર્ષની કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.