Mon Aug 24 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ, દારૂબંધી પર નીતિન પટેલે શું આપ્યું નિવેદન? જાણો વિગત

2026-08-24 10:54:00
Author: Mayur Patel
Article Image

સોમનાથઃ શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. તેમણે ગુજરાતમાં ઉત્તમ અને પૂરતો વરસાદ થાય તેમજ દેશ અને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી. ઉપરાંત રાજ્યમાં દારૂબંધીની નીતિ, ભાવનગર લઠ્ઠાકાંડ તથા દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન મુદ્દે પણ નિવેદન આપ્યું હતું.

‘આવક કરતાં યુવાધનની સુરક્ષા વધુ મહત્વની’: દારૂબંધી અંગે મોટું નિવેદન

રાજ્યમાં દારૂબંધીના અમલ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું રાજ્યનો નાણાંમંત્રી રહી ચૂક્યો છું. દર વર્ષે બજેટ કે નીતિ નિર્ધારણ વખતે સરકારની આવક વધારવા માટે દારૂબંધી હટાવવા અથવા તેમાં છૂટછાટ આપવા અંગેની દરખાસ્તો સામે આવતી હોય છે. પરંતુ હજારો કરોડ રૂપિયાની સરકારી આવક કરતા પણ અમારા માટે ગુજરાતના યુવાનો-દીકરાઓનું ભવિષ્ય અને તેઓ વ્યસનના રવાડે ન ચડે તે બાબત વધુ મહત્વની રહી છે. આ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, તેથી અહીં દારૂબંધી કડકાઈથી ચાલુ જ રહેવી જોઈએ.

ભાવનગર લઠ્ઠાકાંડ પર શું બોલ્યા નીતિન પટેલ

 ભાવનગર લઠ્ઠાકાંડ અંગે નીતિન પટેલે કહ્યું, ઇન્દોર ખાતે જ્યાં આ ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો, તેની સાથે સંકળાયેલા લોકો પણ મોતના મુખમાં ધકેલાયા છે અને એક રીતે કુદરતે ન્યાય કરી દીધો છે. પોલીસે આ કેસમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અનેક લોકોની ધરપકડ કરી છે અને આગામી સમયમાં વધુ આરોપીઓ સામે સકંજો કસાય તેવી શક્યતા છે.

આ સાથે તેમણે યુવાધનને બરબાદ કરવાના ષડયંત્ર તરફ ધ્યાન દોરતાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાન સહિતના કેટલાક અન્ય દેશો ભારતીય યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે મોટા પાયે ડ્રગ્સ સપ્લાય કરવાનો પ્રયાસ કરે છે. રાજ્યની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતત આવા દૂષણને પકડી પાડી રહી છે, છતાં પણ કેટલાક અંશે આ દૂષણ ઘૂસણખોરી કરી રહ્યું છે, જેના સામે સમાજ અને તંત્ર બંનેએ સતર્ક રહેવું જરૂરી છે.

જંતર-મંતર આંદોલન પર શું કહ્યું

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા આંદોલન અંગે પ્રતિક્રિયા આપતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં દાયકાઓથી આંદોલનો થતા આવ્યા છે અને અમે પણ અમારા જાહેર જીવનમાં આંદોલનો કર્યા છે. સરકાર હંમેશા સમજદારી, સંવાદ અને સકારાત્મક વલણ દાખવીને જટિલ પ્રશ્નોનું સમાધાન લાવતી હોય છે.

સોમનાથ કોરિડોરના વિકાસની સરાહના

યાત્રાધામના વિકાસ અંગે વાત કરતાં તેમણે સોમનાથ ખાતે ચાલી રહેલા વિકાસકામો અને ખાસ કરીને સોમનાથ કોરિડોર પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે અને સમગ્ર પરિસરનું ધાર્મિક તેમજ પર્યટન મહત્વ વધુ ઉન્નત બનશે. 

ઉલ્લેખનીય  છે કે નીતિન પટેલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.  થોડા દિવસ પહેલા નીતિન પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચકચાર મચાવી હતી. રાષ્ટ્રીય ભાજપમાં ગુજરાતના ચાર નેતાઓને નવી જવાબદારી આપવામાં આવી હતી. નવી જવાબદારી સોંપવાની સાથે જ ત્રણ નેતાઓના ફોટા સાથે નીતિન પટેલે સોશિયલ મીડિયામાં તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને શુભેચ્છા પાઠવી નહોતી.

આ પહેલા અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલના ગુરુકુલ નજીક ડ્રેનેજ લાઇનના કામકાજના કારણે ડાયવર્ઝન આપતાં રસ્તો સાંકડો થઈ ગયો હતો. જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેમાં અંદાજે હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પોતે આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. હાઈવે પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો હોવા છતાં ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ કે હાઈવે પોલીસ હાજર ન જણાતા નીતિન પટેલ સીધા કલોલ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં હાજર પોલીસ સ્ટાફનો ઉધડો લીધો હતો. તેમને પોલીસકર્મીઓને સવાલ કર્યો હતો કે, આટલો મોટો જામ હોવા છતાં રસ્તા પર કોઈ પોલીસ કેમ દેખાતી નથી? જનતા કલાકો સુધી પરેશાન થાય છે તેની પોલીસને ખબર કેમ નથી પડતી?