નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ગોધની વિસ્તારમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અચાનક ઝેરી ક્લોરિન ગેસ લીક થવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસ ગળતરના કારણે 40 જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગભરામણ જેવી સમસ્યાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્લાન્ટના કર્મચારીઓ પણ ઝપેટમાં આવ્યા
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, ગોધની નગર પંચાયત દ્વારા સંચાલિત પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી આજે અચાનક ગેસ લીક થવા લાગ્યો હતો. જોતજોતામાં ગેસ આસપાસના રહેણાંક વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આ ઝેરી વાયુની અસર હેઠળ પ્લાન્ટમાં કામ કરતા 8થી 10 કર્મચારીઓ તેમજ આસપાસના 25 થી વધુ સ્થાનિક રહીશો આવી ગયા હતા. અચાનક શ્વાસ રુંધાવા લાગતાં લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
#WATCH नागपुर(महाराष्ट्र): वीडियो स्पर्श हॉस्पिटल से है, जहाँ महाराष्ट्र जीवन प्राधिकरण के वॉटर प्यूरिफिकेशन प्लांट में क्लोरीन गैस लीक से प्रभावित लोगों का इलाज चल रहा है। pic.twitter.com/KnzkJNpYKD
— ANI_HindiNews (@AHindinews) August 24, 2026
કેટલાક દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી ICU માં ખસેડાયા
હોસ્પિટલમાં ભરતી કરાયેલા 40 દર્દીઓમાંથી 4થી 5 લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બાકીના દર્દીઓની પણ તબીબોની ખાસ ટીમ દ્વારા સતત દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
#WATCH नागपुर, महाराष्ट्र: गोधनी इलाके में क्लोरीन गैस लीक होने की सूचना के बाद बचाव कार्य जारी है। pic.twitter.com/rSPBhIdQeE
— ANI_HindiNews (@AHindinews) August 24, 2026
સુરક્ષા તકેદારીના પગલે આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક ધોરણે ગેસ રિસાવ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. વાતાવરણમાં ગેસની તીવ્રતા ઓછી કરવા માટે રાસાયણિક પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી. તકેદારીના ભાગરૂપે પ્લાન્ટની નજીક રહેતા અન્ય પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ટેકનિકલ ટીમ હાલ એ તપાસ કરી રહી છે કે વાલ્વ ખરાબ થવાને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામી લીકેજ માટે જવાબદાર હતી?