Sat Sep 05 2026

Logo

લાંચ કેસમાં પૂર્વ આઈટી ઓફિસર જે. બી. સિંહને ૩ વર્ષની સખત કેદ: અમદાવાદ સીબીઆઈ કોર્ટનો ધાકબેસાડતો ચુકાદો

2026-08-24 10:42:00
Author: Mumbai Samachar Team
લાંચ કેસમાં પૂર્વ આઈટી ઓફિસર જે. બી. સિંહને ૩ વર્ષની સખત કેદ: અમદાવાદ સીબીઆઈ કોર્ટનો ધાકબેસાડતો ચુકાદો

ભુજ: ગાંધીધામ આવકવેરા કાર્યાલયમાં ઇન્કમટેક્સ ઓફિસર અને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવી ચૂકેલા પૂર્વ અધિકારી જરનૈલ બી. સિંહ (જે. બી. સિંહ)ને એક લાંચના કેસમાં અમદાવાદની ખાસ સીબીઆઈ અદાલતે દોષિત ઠેરવી ૩ વર્ષની સખત કેદ અને રૂપિયા ૨૦,૦૦૦ના દંડની સજા ફટકારી છે.

ગાંધીધામ અને ભુજમાં ફરજ દરમિયાન જે. બી. સિંહ ચેરિટેબલ ટ્રસ્ટોને કરમુક્તિ તથા આવકવેરા અધિનિયમની કલમ ૧૧ અને ૮૦એ હેઠળના સર્ટિફિકેટ્સ આપવાની કામગીરી સંભાળતા હતા. ફેબ્રુઆરી ૨૦૧૩માં તેમણે ‘શ્રીલેખા વિવિધલક્ષી ચેરિટેબલ ટ્રસ્ટ’ને કરમુક્તિનું પ્રમાણપત્ર આપવાના બદલામાં રૂ.૧૦,૦૦૦ની લાંચ માંગણી કરી હતી.

ટ્રસ્ટના સંચાલકોની લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ છટકું ગોઠવીને જે.બી.સિંહને રૂ.૧૦,૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા. સીબીઆઈ કોર્ટે રજૂ કરાયેલા મજબૂત દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ પૂર્વ અધિકારીને ભ્રષ્ટાચારના ગુનામાં તકસીરવાર ઠેરવી જેલની સજા અને દંડનો હુકમ કર્યો છે.

ઉત્સવ વૈદ્ય