Tue Sep 15 2026

Logo

કચ્છ: પિંગલેશ્વર દરિયાકાંઠેથી શંકાસ્પદ AIS ઉપકરણ અને ઓક્સિજન કિટ મળતાં દોડધામ

2026-08-24 10:46:00
Author: Mumbai Samachar Team
કચ્છ: પિંગલેશ્વર દરિયાકાંઠેથી શંકાસ્પદ AIS ઉપકરણ અને ઓક્સિજન કિટ મળતાં દોડધામ

ભુજઃ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના સંવેદનશીલ પિંગલેશ્વર દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓના સઘન પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં ટેકનિકલ ઉપકરણો મળી આવતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોલીસ, એલઆઈબી અને એસઓજીની સંયુક્ત ટુકડીઓએ કાંઠા પરથી એક ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર કિટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જખૌ પોલીસના જોરૂભા જાડેજા અને પુનશી મહેશ્વરી સહિતની ટુકડીએ પેટ્રોલિંગ દરમિયાન આ શંકાસ્પદ સાધનો જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, મળી આવેલું ગોળાકાર એઆઈએસ ઉપકરણ મોટા માલવાહક જહાજો અને આંતરરાષ્ટ્રીય ફિશિંગ ટ્રોલરમાં પાણીની ઊંડાઈ માપવા, માછલીઓનું લોકેશન જાણવા અને દરિયામાં પડેલી વસ્તુઓનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવા માટે વપરાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી કેસરી રંગના બોક્સમાંથી કટોકટીના સમયે ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવવા માટે વપરાતી માસ્ક સાથેની ઓક્સિજન કિટ પણ મળી આવી છે.

દરિયામાં ભારે ભરતી આવવાને કારણે આ સાધનો મોજાં સાથે તણાઈને કાંઠે આવી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. દેશની આંતરિક સુરક્ષાના સંદર્ભે એજન્સીઓએ આ ઉપકરણો ક્યાંથી આવ્યા તે દિશામાં ઝીણવટભરી તપાસ આદરી છે.

(ઉત્સવ વૈદ્ય)