અમદાવાદઃ ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ સક્રિય રીતે સઘન તપાસ કરી રહી છે. આ સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ અત્યારે એક્શનમાં આવીને તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા કુલ 1.11 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે એકની ધરપકડ પણ કરી છે. સાણંદ જીઆઈડીસી પોલીસે ચોક્કસ બાતમીના આધારે સાણંદ-વિરમગામ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ સાથે ડ્રાઈવની પણ ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરૂ દીધી છે.
રાજસ્થાનના ડ્રાઈવર કરતારામ મેઘવાલની ધરપકડ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે આ કેસમાં કન્ટેનરના ડ્રાઈવર કરતારામ મેઘવાલ (રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ વિદેશ દારૂ સરેન્દ્રનગર લઈ જવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કન્ટેનરમાંથી પોલીસે 32,392 વિદેશી દારૂની બોટલો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ દારૂ મોકલાવ્યો તે, કન્ટેનરના માલિક અને દારૂ મંગાવ્યો તેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં છે.
પોલીસે કુલ 1.36 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો
આ કેસમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આ નંબરના કન્ટેનરમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જેથી સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી અને વીરપુર પાટિયા પાસેથી દારૂ સાથે કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે કન્ટેનરમાં 1200 જેટલા બોક્સ જપ્ત કર્યા, જેમાં વિદેશી દારૂની 32,392 બોટલો હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને કુલ 1.36 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં
પોલીસ દ્વારા કન્ટેનરના ડ્રાઈવર સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ દારૂ સુરેન્દ્ર યાદવ નામના વ્યક્તિએ અજમેરથી મોકલાવ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ દારૂ સુરેન્દ્રનગરમાં દેવેન્દ્ર બોરીયા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીને ત્યાં મોકલાવવાનો હોવાનું પણ કબૂલ્યું છે. જેથી પોલીસે આ લોકોને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી દીધી છે.