અમદાવાદ: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતી શૂટસ્પેસ ડિજિટલ પ્રા. લિમિટેડ નામની કંપનીએ ઊંચુ વળતર આપવાની લાલચે હજારો રોકાણકારોને ચુનો લગાવ્યો હતો. કંપની સામે 40 વધુ રોકાણકારોએ રૂ. 8.6 કરોડની છેતરપિંડીની વધુ એક એફઆઈઆર નોંધાવી હતી.
કોણે નોંધાવી ફરિયાદ
આ વખતે હિંમતનગરના એક પ્રોફેસરે આક્ષેપ કર્યો છે કે કંપનીએ ફિક્સ્ડ મંથલી રિટર્ન આપતી સેલ એન્ડ લીઝ બેક સ્કીમ હેઠળ તેમની તેમજ અન્ય 41 રોકાણકારો સાથે રૂ. 8.6 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી છે. આ મામલે ડભોડા પોલીસે કંપનીના ફાઉન્ડર-ડિરેક્ટર, અન્ય પાંચ ડિરેક્ટર્સ અને એક ઝોનલ મેનેજર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રોફેસરને સ્કીમની કોણે આપી હતી માહિતી
ફરિયાદ અનુસાર, આરોપીઓએ રોકાણકારોને ડિજિટલ સ્ટોરેજ સ્પેસ ખરીદવા માટે લલચાવ્યા હતા અને તેને સાત વર્ષ માટે લીઝ પર પરત લઈ દર મહિને નિશ્ચિત વળતરચૂકવવાનું વચન આપ્યું હતું. પ્રોફેસરને માર્ચ 2025માં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ સ્કીમની માહિતી આપી હતી, ત્યારબાદ તેમણે ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરિસરમાં આવેલી કંપનીની ઓફિસની મુલાકાત લીધી હતી.
કંપનીએ સાત વર્ષ માટે રૂ.38,940માં એક ટેરાબાઇટ ડિજિટલ સ્ટોરેજ સ્પેસની ઓફર કરી હતી, જેના બદલામાં દર મહિને રૂ.1,650થી વધુનું રિટર્ન ચૂકવવાની ખાતરી આપી હતી. આરોપીઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ ગિફ્ટ સિટીમાં એક મોટું ડેટા સેન્ટર સ્થાપી રહ્યા છે, જે ભારતમાં વિશ્વભરના ડિજિટલ ડેટાનો મોટો હિસ્સો સ્ટોર કરશે અને તેના માટે વિદેશી કંપનીઓ સાથે કરાર પણ થયા છે.
ફરિયાદીએ જણાવ્યું કે કંપનીએ વ્યવહાર અસલી હોવાનું દર્શાવવા માટે ડિજિટલ એગ્રીમેન્ટ કર્યા હતા અને જીએસટી તથા ટેક્સ કપાત દર્શાવતા ઇન્વૉઇસ પણ આપ્યા હતા. પ્રોફેસરે પોતાના, પોતાની પત્ની અને પુત્રીના નામે 245 ટેરાબાઇટ સ્ટોરેજ ખરીદવા માટે કુલ રૂ. 95.4 લાખનું રોકાણ કર્યું હતું.
શરૂઆતના મહિનાઓમાં કંપનીએ નિયમિત ભાડું ચૂકવ્યું હતું, પરંતુ ફેબ્રુઆરી 2026 પછી ચુકવણી અચાનક બંધ થઈ ગઈ હતી. રોકાણકારો જ્યારે ગિફ્ટ સિટી ખાતેની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં તાળાં લટકતાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ આરોપીઓ સંપર્કવિહોણા થઈ ગયા હતા અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. ફરિયાદમાં બેંગલુરુ, મુંબઈ, રાયપુર, ભિલાઈ, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરના 41 જેટલા રોકાણકારો અને સાક્ષીઓનો ઉલ્લેખ છે, જેમની કુલ ક્લેમની રકમ રૂ.8.6 કરોડથી વધુ થવા જાય છે.
ઉત્પલ પટેલ સામે ગાળિયો મજબૂત
ડેટા સ્ટોરેજના નામે આચરેલા કરોડો રૂપિયાના ડિજિટલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઉત્પલ પેટેલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. ગાંધીનગર એસઆઈટી દ્વારા તેને દુબઈથી ભારત લાવવા માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ લગભગ 1000 કરોડનું કૌભાંડ છે. 5000થી વધુ લોકો કૌભાંડનો ભોગ બન્યાની આશંકા છે. રોકાણકારોએ જલદી માલામાલ થવા માટે રૂ. 5 લાખથી 3 કરોડ સુધીનું રોકાણ આ કંપનીમાં કર્યું હતું.
મુખ્ય આરોપી ઉત્પલ પટેલ હાલ દુબઈમાં આશરો લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને ભારત પરત લાવવા રેડ કોર્નર નોટિસ જારી કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ જતાં હાલ જેલમાં છે. જ્યારે અરુણ પટેલ, સચિન પટેલ અને ધ્રુવ ચૌધરી સહિતના અન્ય સાથીદારોની ધરપકડ થઈ ચૂકી છે.