ભુજઃ નાના બાળકો માટે અત્યંત ઘાતક નીવડતા ચાંદીપુરા વાયરસનો કચ્છમાં પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અંજાર વિસ્તારમાં રહેતા ગોધરાના શ્રમજીવી પરિવારના બે વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સિંઘે સ્થળની મુલાકાત લીધી હતી. બાળકના રહેણાક વાડી વિસ્તારમાં કેમિકલ છંટકાવ કરવાની સાથે ચાંદીપુરા ફેલાવતી સેન્ડ ફ્લાય (માખી) પકડવા માટે રાજકોટથી સ્પેશિયલ એન્ટમોલોજિકલ ટીમ બોલાવવામાં આવી છે.
જિલ્લામાં ચાંદીપુરાના અન્ય ૭ શંકાસ્પદ કેસના લેબ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી તરફ, ગાંધીધામ અને અંજારની ખાનગી લેબોરેટરીમાં સિઝનલ ફ્લૂ (H1N1)ના બે પોઝિટિવ રિપોર્ટ નોંધાયા છે, જોકે સરકારી ચોપડે તેની સત્તાવાર ચકાસણી બાકી છે.
બાળરોગ નિષ્ણાતો લોકોને અપીલ કરી છે કે, ચાંદીપુરા એક વાયરલ એનકેફેલાઈટીસ છે જે સંક્રમિત સેન્ડ ફ્લાય માખી અથવા મચ્છરના કરડવાથી ફેલાય છે. તે ચેપી રોગ નથી. બાળકોને સખત તાવ, ઊલટી, ઝાડા કે ખેંચ જેવા લક્ષણો દેખાય તો તુરંત સારવાર લેવી. સાવચેતીના ભાગરૂપે માટી કે લીંપણવાળા મકાનોની તિરાડો પુરાવી દેવી, ગંદકી અટકાવવી અને બાળકોને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવવા.
(ઉત્સવ વૈદ્ય)