(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ટ્રેઝરીએ ગઈકાલે પ્રવાહિતાને ટેકો આપવા તેનાં લાંબા સમયગાળાના ટ્રેઝરી બૉન્ડની બાયબૅકમાં ખરીદીનો કાર્યક્રમ બમણો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરતાં અમેરિકી લાબાંગાળાના બૉન્ડની યિલ્ડમાં ઘટાડો આવ્યો હતો અને ડૉલર ઈન્ડેક્સ મે મહિના પછીની નીચી સપાટીએ પહોંચ્યો હોવાથી ન્યૂ યોર્ક ખાતે ગઈકાલે સોનાના ભાવમાં ચાર ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીનું દબાણ, ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ ધપી હોવાથી અને ફેડરલ દ્વારા તંગ નાણાનીતિના સંકેતો મળતાં હાજરમાં સોનાના ભાવમાં 0.9 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.4 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3199થી 3212નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 8541નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 8541ના ઉછાળા સાથે રૂ. 2,37,766ના મથાળે રહ્યા હતા. જોકે, અનપેક્ષિતપણે તેજી જોવા મળી હોવાથી આજે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તે જ પ્રમાણે વિશ્વ બજાર પાછળ હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3199 વધીને રૂ. 1,56,451 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3212 વધીને રૂ. 1,57,080ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને બે મહિનાની ઊંચી આૈંસદીઠ 4525.79 ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીના દબાણે પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા ઘટીને 4479.12 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 4535.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 66.63 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે સત્રના આરંભે સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડાને હું ઘટાડાતરફી વલણ શરૂ થયું હોવાનું ન માનતા એક કરેક્શન ગણી રહ્યો છું, એમ એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સોનાના ભાવની વધઘટ ફેડરલ રિઝર્વની નીતિની અપેક્ષાઓ અને અખાતી દેશોનાં અહેવાલ પર અવલંબિત રહેશે. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે જાહેર થયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકમાં ફુગાવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ઘણાં નીતિઘડવૈયાઓ વ્યાજદરમાં વધારો કરવા સહમત થયા હોવાનું જણાયું હતું.
વધુમાં ગઈકાલે અમેરિકી પ્રમુખે ઈરાનને કોઈપણ પ્રકારનું જીવતદાન આપનાર દેશને આર્થિક પડકારોનો સામનો કરવો પડશે, એવી ચેતવણી આપ્યા બાદ ક્રૂડતેલના ભાવ વધીને ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ હેોંચ્યા હતા અને મધ્ય પૂર્વનાં દેશોની મડાગાંઠ યથાવત્ રહેવાની ભીતિ સપાટી પર આવી હતી. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખવામાં આવે તેવી 67 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા હતા.