Sat Sep 12 2026

Logo

"પોતાને મરાઠી માણૂસ કહેવાથી કંઈ નથી થતું!" સોશિયલ મીડિયા પર અપશબ્દો બોલનારાઓ સામે ભડકી શ્વેતા તિવારી...

2026-08-21 15:34:43
Author: Darshana Visaria
"પોતાને મરાઠી માણૂસ કહેવાથી કંઈ નથી થતું!" સોશિયલ મીડિયા પર અપશબ્દો બોલનારાઓ સામે ભડકી શ્વેતા તિવારી...

હંમેશા પોતાના લૂક્સ અને ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી જાણીતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આ વખતે સોશિયલ મીડિયા પર મળેલા અભદ્ર અને અપમાનજનક મેસેજિસને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાં કોક્રોચ મળતાં શ્વેતાએ એફડીએના વડા તુકારામ મુંડેને ટેગ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, આ ફરિયાદ બાદ કેટલાક કથિત રાજ ઠાકરે સમર્થકો અને ટ્રોલર્સે ઈન્સ્ટાગ્રામ પર શ્વેતા તિવારીને ગંદી ગાળો અને અપમાનજનક મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. એક્ટ્રેસે આ બાબતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મનસે અધ્યક્ષ રાજ ઠાકરેને સવાલો કર્યા છે. 

આ સમગ્ર મામલે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ચૂપ રહેવાને બદલે આવા યુઝર્સના પ્રોફાઈલ અને મેસેજના સ્ક્રીનશોટ્સ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી રોષ વ્યક્ત કર્યો છે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે સામે પણ સીધો સવાલ ઉઠાવ્યો છે.

શ્વેતા તિવારીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લાંબીલચક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર મહિલાઓને ગાળો આપવી એ અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ચોંકાવનારી વાત એ છે કે આવું કરનારા લોકો અભણ નથી હોતા પરંતુ શિક્ષિત અને સારા પરિવારમાંથી આવે છે. તેમના પોતાના ઘરમાં પણ પત્ની, માતા, બહેન અને દીકરીઓ હોય છે, છતાં તેઓ અન્ય મહિલાઓ માટે અત્યંત હલકી ભાષા વાપરતાં અચકાતા નથી. આવા લોકો બીજી મહિલાઓ સાથે ગેરવર્તન કર્યા પછી પોતાના પરિવાર સામે કેવી રીતે જતાં હશે?

ટીવી એક્ટ્રેસ જણાવ્યું કે ટ્રોલ કરનારાઓમાંથી એક વ્યક્તિ પોતાની જાતને રાજ ઠાકરે અને તેમની પાર્ટીનો સમર્થક ગણાવી રહી છે. આ અંગે શ્વેતાએ રાજ ઠાકરેને ટેગ કરતાં લખ્યું હતું કે શ્વેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મેં મારું આખું જીવન મહારાષ્ટ્રમાં વિતાવ્યું છે. મારા પિતા પણ મુંબઈમાં જ ઉછર્યા છે. મેં હંમેશાં મરાઠી સંસ્કૃતિમાં સ્ત્રીઓ અને તેમના સન્માન પ્રત્યેનો આદર જોયો છે. 

શ્વેતાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે જો આવા લોકો તમારા સમર્થક હોય, તો શું તમે તેમના આ વર્તનને યોગ્ય માનો છો? માત્ર મરાઠી બોલવું કે પોતાને 'મરાઠી માણૂસ' કહેવું પૂરતું નથી. મહિલાઓનું સન્માન કરવું જરૂરી છે માત્ર પોતાના ઘરની જ નહીં પરંતુ દરેક મહિલાનું!

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શ્વેતા તિવારી હાલમાં એમેઝોન પ્રાઈમ વીડિયોના લોકપ્રિય રિયાલિટી શો 'ધ ટ્રેઈટર્સ ટુ'માં જોવા મળી રહી છે. કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં શ્વેતાની ગેમ સ્ટ્રેટેજી અને બેબાક અંદાજને દર્શકો તરફથી ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.