(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની ખાંડ મિલો પર તંગ પુરવઠા સામે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ઉપરાંત સરકાર દ્વારા લાદવામાં આવેલી મર્યાદાને કારણે એક્સ મિલ ધોરણે ખાંડના ભાવમાં ઝડપભેર તેજી આગળ ધપી હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 270થી 352ની અને નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. 290થી 350ની તેજી આગળ ધપી હોવાના અહેવાલ હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ પ્રબળ રહેતાં આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 352 અને ઉપલા મથાળેથી રૂ. 270 વધીને રૂ. 5792થી 5852માં તેમ જ મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 330ની તેજી સાથે રૂ. 5880થી 6012માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 290થી 310ની તેજી સાથે રૂ. 5700થી 5760માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 340થી 350ની તેજી સાથે રૂ. 5800થી 5900માં થયાના અહેવાલ હતા.