ગાંધીધામઃ ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ ગાંધીધામની મુલાકાત લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને પાગલ કહ્યા હતા. કંડલા પોર્ટ પર ગુજરાત સરકાર, આસામ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા ઈ-મિથેનોલ પ્લાન્ટના ભૂમિપૂજન પ્રસંગે તેઓ ગુજરાત આવ્યા હતા. રાજ્યમાં આવીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. એ પછી એક પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધી અંગે વાત કહી હતી.
રાહુલ ગાંધી અંગે સવાલ કરાયો
પત્રકાર પરિષદમાં જ્યારે પત્રકારે રાહુલ ગાંધી અંગે સવાલ કર્યા એ સમયે તેમણે જવાબ આપ્યો હતો. પત્રકારનો સવાલ પૂરો થાય એ પહેલા જ આસામના મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો કે, તે એક પાગલ છે અને મને તમે પાગલ પર નિવેદન આપવાનું શા માટે કહો છો? હું રાહુલ ગાંધીને પાગલ માનું છું, એનો ચહેરો જુવો, ક્યારેક દાઢી તો ક્યારેક ક્લિન શેવ. ક્યારેક વિદેશમાં તો ક્યારેક દેશમાં. એ આખા વ્યક્તિને પાગલ માનું છું, એના પર કોઈ જ પ્રકારની કોમેન્ટ કરીને ફાયદો નથી. રાહુલ ગાંધી હિંદુ ધર્મને નિશાન બનાવવા અને તેને બદનામ કરવા માટે મહિલાઓના અધિકારોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ વ્યક્તિ પાગલ છે અને પાગલ જ રહેશે. તેઓ જો ખરેખર લીંગ સમાનતામાં માનતા હોય તો UCCનું સમર્થન કરવું જોઈએ. તેઓ વારંવાર ચૂંટણી હારી જાય છે. એ પછી થોડા સમય માટે હોબાળો મચાવે છે અને ફરી ચૂંટણી હારે છે. વિદેશ જાય છે. આવા પાગલ વ્યક્તિ અંગે શું ચર્ચા કરવી.
નોકરીઓનું સર્જન થશે
ગાંધીધામના ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 150 ટીપીડી ક્ષમતાના ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન થયું. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ₹2300 કરોડના મૂડીરોકાણ સાથે કંડલા ખાતે સ્થાપિત થનાર આ 150 ટન પ્રતિ દિવસ ક્ષમતાનો અદ્યતન ઈ-મિથેનોલ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ પુરવાર થશે. આનાથી ગુજરાત સહિત કચ્છની નાની મોટી ઔદ્યોગિક પ્રવૃતિઓને મોટો વેગ મળી રહેશે. નાની મોટી 3000થી વધારે રોજગારીનું કચ્છમાં સર્જન થશે. યુવાનો, એન્જિનિયરો, ટેક્નિકલ વર્કફોર્સ ઉપરાંત લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેઇન સાથે જોડાયેલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સારી એવી નોકરી મળી શકે એમ છે.