Mon Sep 28 2026

Logo

સુરેન્દ્રનગરના દસાડા-સમી હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત, ટ્રક ક્લીનર ભાગવા જતા કરંટથી મોત

2026-09-26 22:50:24
Author: Mumbai Samachar Team
સુરેન્દ્રનગરના દસાડા-સમી હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત, ટ્રક ક્લીનર ભાગવા જતા કરંટથી મોત

સુરેન્દ્રનગર: જિલ્લાના દસાડા-સમી હાઈવે પર  વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ હતી. રોડ પર ઉભેલા ટ્રકની પાછળથી કાર ધડાકાભેર ઘૂસી જતાં ઈકોમાં સવાર બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કારમાં સવાર લોકો વિરમગામ તરફથી શંખેશ્વર દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન દસાડા-સમી હાઈવે પર રોડ પર ઉભેલા ટ્રક સાથે ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી.

એકનું મોત

અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. મૃતકોમાં ચેન્નઈના રાજેશ શેઠિયા અને મુંબઈના અજીત જૈનનો સમાવેશ થતો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના મોત ઉપરાંત અકસ્માત બાદ ટ્રકમાંથી ભાગી રહેલા ક્લીનરને આશરે 400 મીટર દૂર ખેતરમાં પડેલા જટકા મશીનના કરંટનો ઝટકો લાગતાં તેનું પણ મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક ત્રણ થયો હતો.

પાંચને ગંભીર ઈજા

અકસ્માતમાં કારમાં સવાર અન્ય પાંચ લોકોને ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  કાર ડ્રાઈવર મલેક ઈમરાનને સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્મતાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોનાં ટોળાં એકત્ર થતાં થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ફરાર ટ્રક ચાલક સહિતની વિગતો મેળવવા કાર્યવાહી શરૂ કરી છે.