Tue Oct 06 2026

Logo

આણંદ પાસે જીવલેણ અકસ્માતઃ બે બાઈકની ટક્કરમાં 3 યુવકોના જીવ ગયા, જાણો વિગત

2026-09-28 12:23:00
Author: Mayur Patel
આણંદ પાસે જીવલેણ અકસ્માતઃ બે બાઈકની ટક્કરમાં 3 યુવકોના જીવ ગયા, જાણો વિગત

આણંદઃ રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આણંદ પાસે બે બાઈકની ટક્કરમાં 3 યુવકોના જીવ ગયા હતા.  મળતી વિગત પ્રમાણે, આણંદ-બોરસદ રોડ પર વાંસખીલીયા ગામની સીમમાં નિજાનંદ રિસોર્ટ નજીક બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.આ ટક્કરએટલી ભયાનક હતી કે બંને બાઈકના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને સવાર યુવાનો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સ્થાનિકો મદદ માટે દોડ્યા, ત્રણ યુવાનોના મોત

અકસ્માતનો ધડાકો સાંભળીને આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર ઈજાઓને કારણે નાપા વાંટા ગામના બે યુવકો તેમજ બોરસદના એકનું મોત નીપજ્યું હતું. એકસાથે ત્રણ યુવાનોના અકાળે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ યુવકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા, જેના કારણે પરિસરમાં ગમગીન માહોલ સર્જાયો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધ્યો હતો અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી હતી.