અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલને 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ટિકિટ ના આપે તો શું કરશે ? એક ગુજરાતી ચેનલના ટોક શો દરમિયાન તેમને આવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં હાર્દિક પટેલે કહ્યું, 2027ની ચૂંટણીમાં જો પાર્ટી તેમને ટિકિટ આપશે તો તેઓ જીતીને બતાવશે. જો પાર્ટી અન્ય કોઈને ટિકિટ આપશે, તો પણ તેઓ તે ઉમેદવારને જીતાડવા પૂરો સાથ આપશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિરમગામમાં ભાજપની જીતનો છે.
ચેનલના ટોક શો દરમિયાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાના રાજકીય ભવિષ્ય અને મંત્રીપદ અંગે પણ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, મંત્રીમંડળના વિસ્તરણ વખતે તેમને મંત્રી બનવાની કોઈ આશા નહોતી. તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના વિસ્તારના વિકાસ પર જ છે. મીડિયામાં ચાલતી ચર્ચાઓ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, મને આજ સુધી પાર્ટી અને અફવા ફેલાવતા સૂત્રો ક્યારેય મળ્યા નથી.
આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું, તેમણે વિસ્તારની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. રાજકારણમાં દરેકની ઈચ્છાઓ હોય, પણ કોને કયો હોદ્દો આપવો તે ભાજપનું હાઈકમાન્ડ અને તેની શિસ્તબદ્ધ સિસ્ટમ જ નક્કી કરે છે. તેઓ ધારાસભ્ય તરીકેનો પોતાનો પગાર લેતા નથી, પરંતુ તે પૂરેપૂરી રકમ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ (CA, MBA), સમૂહ લગ્ન અને પાંજરાપોળના સેવાકાર્યોમાં વાપરે છે.
છેલ્લા ચાર વર્ષમાં વિરમગામમાં આશરે 3,000 કરોડના વિકાસકામો (રસ્તા, સિંચાઈ, શિક્ષણ અને હોસ્પિટલ) થયા છે. સાણંદની જેમ હવે વિરમગામ પણ એક મોટું ઓટોમોબાઈલ હબ અને ગ્રોથ એન્જિન બની રહ્યું હોવાનું પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું.