Tue Oct 06 2026

Logo

ટ્રંપે અમને બચાવી લીધા...', શહબાઝના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ડર, UNGAના મંચ પર ફરી અમેરિકાની ચાપલૂસી

New York   2026-09-26 14:29:00
Author: Mumbai Samachar Team
ટ્રંપે અમને બચાવી લીધા...', શહબાઝના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ડર, UNGAના મંચ પર ફરી અમેરિકાની ચાપલૂસી

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના મંચ પરથી પોતાનું ભાષણ આપ્યું. આ દરમિયાન તેમના ભાષણમાં ફરી એકવાર 'ઓપરેશન સિંદૂર'નો ડર જોવા મળ્યો. પાકિસ્તાની વડાપ્રધાને એક વાર અમેરિકાને ભારત-પાકિસ્તાનનો સંઘર્ષ અટકાવવાનું શ્રેય આપતા દાવો કર્યો કે, ટ્રમ્પના 'સમયસરના હસ્તક્ષેપ'ને કારણે દક્ષિણ એશિયામાં મોટા પાયે લોકોના જીવ બચ્યા. આની સાથે જ શહબાઝ શરીફે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો.

ભારતે 7 મે 2025ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકી ઠેકાણાઓને નિશાન બનાવતા 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નાગરિકોના જીવ ગયા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અટકાવ્યો હતો. આ જ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે પણ ટ્રમ્પે આ દાવાને દોહરાવ્યો હતો. જો કે, ભારત સતત કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપના દાવાને ફગાવતું રહ્યું છે.

ટ્રંપ પ્રશંસામાં શું બોલ્યા શહબાઝ?

લગભગ ૨૩ મિનિટના પોતાના સંબોધનમાં શહબાઝ શરીફે ટ્રમ્પની લીડરશીપના વખાણ કર્યા. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિના 'સમયસરના હસ્તક્ષેપ'થી દક્ષિણ એશિયામાં કરોડો લોકોના જીવ બચાવવામાં મદદ મળી. શરીફે પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો. 

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન તરફથી કાશ્મીરને લઈને કરવામાં આવતા દાવાઓને સતત ફગાવ્યા છે. ભારતનું સ્પષ્ટ વલણ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને રહેશે. પાકિસ્તાની વડાપ્રધાનના ભાષણનો જવાબ આપવા માટે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના 'રાઇટ ઓફ રિપ્લાય' (જવાબ આપવાનો અધિકાર) નો ઉપયોગ કરશે. 

સિંધુ જળ સંધિનો પણ કર્યો ઉલ્લેખ

શહબાઝ શરીફે પોતાના ભાષણમાં સિંધુ જળ સંધિ (IWT) નો મુદ્દો પણ ઉઠાવ્યો. પહેલગામ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે અનેક રાજદ્વારી અને આર્થિક પગલાં લીધાં હતાં. આમાં સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય પણ સામેલ હતો. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારના આતંકવાદ સહિત આતંકવાદના તમામ સ્વરૂપોને સમર્થન આપવાનું વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે બંધ નથી કરતું, ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે.

વધુ જુઓ...