ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે અમેરિકા સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાનનું કહેવું છે કે જો અમેરિકા તેની ત્રણ શરતો સ્વીકારી લે, તો સાત દિવસની અંદર આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવામાં આવશે. આની સાથે જ બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગેની વાતચીત પણ ફરી શરૂ થઈ શકે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે હવે નિર્ણય અમેરિકાએ કરવાનો છે.
અરાઘચીના જણાવ્યા મુજબ, ઈરાને આ પ્રસ્તાવ કતરના માધ્યમથી અમેરિકા સુધી પહોંચાડ્યો છે. આ યોજના અંતર્ગત અમેરિકાએ કેટલાક પગલાં ભરવા પડશે. તેમનું કહેવું છે કે આ પગલાં નવા નથી, પરંતુ જૂનમાં થયેલા સમજૂતીમાં અગાઉથી જ સામેલ છે. અમેરિકા દ્વારા પ્રસ્તાવ સ્વીકારતાની સાથે જ સાત દિવસની સમયમર્યાદા શરૂ થઈ જશે.
ઇરાને અમેરિકાની સામે રાખી 3 શરત
ઇરાનના પ્રસ્તાવમાં અમેરિકાને 3 મુખ્ય પગલા ભરવાનું કહેવાયું છે.
ઇરાની બંદર ( પોર્ટ) પર લગાવેલી અમેરિકી નેવીની નાકાબંધી હટાવી લેવાય.
ઈરાનના તેલના વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવે.
એવું યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે, જેમાં લેબનાન પણ સામેલ હોય.
અરાઘચીએ જણાવ્યું કે અમેરિકા દ્વારા લેવાનારા પગલાં ચારથી પાંચ દિવસમાં પૂરા કરી શકાય છે. ત્યારબાદ છઠ્ઠા દિવસે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે. સાતમાં દિવસે અમેરિકા સાથેની વાતચીત ફરીથી શરૂ થશે.
'નિર્ણય હવે અમેરિકાના હાથમાં'
અબ્બાસ અરાઘચીએ કહ્યું કે 'નિર્ણય હવે અમેરિકાના હાથમાં છે'. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈરાન દબાણ, ધમકી કે ડરાવવાની કોઈ પણ કોશિશને સ્વીકારશે નહીં. તેમના મતે, ઈરાન દબાણ હેઠળ પોતાના સાર્વભૌમ અધિકારોથી પીછેહટ નહીં કરે.
અરાઘચીએ જણાવ્યું કે જો અમેરિકા આ પ્રસ્તાવ સ્વીકારે છે, તો સાત દિવસની સમયમર્યાદા તે જ દિવસથી શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે સમજૂતી માટે જરૂરી તૈયારી અગાઉથી જ પૂરી છે. બંને દેશો વચ્ચે અગાઉ પણ સમજૂતી માટે અનેક પ્રયાસો થઈ ચૂક્યા છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી.