ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી મહિલા સાથે છેત્તરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે. જાણીતી ફાર્મા કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ મહિલા સાથે ઓનલાઈન છેત્તરપિંડી થઈ છે. બમ્બલ ડેટિંગ એપ્લિકેશનથી એક વ્યક્તિએ પોતાની ઓળખ ડૉક્ટર તરીકે આપી અને પોતે નેધરલેન્ટનો રહેવાસી છે એવું કહીને મહિલા સાથે ફ્રેન્ડશીપ કરી હતી. પછી કસ્ટમ ક્લિયરન્સના બહાને ₹5.28 લાખ રૂપિયાની છેત્તરપિંડી કરી હતી. આ પછી મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નેધરલેન્ડનો ડૉક્ટર પૈસા ખંખેરી ગયો
આ મહિલાએ સૌથી પહેલા ડેટિંગ એપ્લિકેશન Bumble પોતાના ફોનમાં ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનથી જ મહિલાને એક વ્યક્તિનો સંપર્ક થયો હતો જેને પોતાની ઓળખ નેધરલેન્ડમાં ડૉક્ટર તરીકે આપી હતી. આ ભાઈ પોતે નેધરલેન્ડમાં રહે છે એવો દાવો કર્યો હતો. બન્ને મિત્ર બન્યા બાદ કસ્ટમ ક્લિયરન્સના બહાને મહિલા પાસેથી ₹5.28 લાખ ટ્રાંસફર કરાવ્યા હતા.
આ પછી મહિલાને આશંકા ગઈ અને અંતે ફ્રોડ થયો હોવાનું સામે આવતા મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર સાયબર સેલમાં થયેલી ફરિયાદના આધારે, નુપૂર ગાંધી નામની યુવતીએ આ ફરિયાદ કરી છે. વર્ષ 2021માં આ ડેટિગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. સામે જેણે ડૉક્ટર તરીકે ઓળખ આપી હતી એનું નામ ડૉ, નિખિલ કોટેચા તરીકે આપી હતી. આ શખ્સે પહેલા પોતાનો મોબાઈલ નંબર શૅર કર્યો હતો.
મેડિકલના સાધનો ખરીદવા તુર્કી ગયો
તે પોતે મૂળ ભારતીય છે અને છેલ્લા કેટલાક સમયથી તે નેધરલેન્ડ રહે છે. નેધરલેન્ડના આમ્સ્ટરડેમમાં રહે છે એવું કહ્યું હતું. આ પછી બન્ને વચ્ચે સારી એવી મૈત્રી થઈ ગઈ હતી. ડેટિંગ એપ્લિકેશન બાદ વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલ્સમાં વાતચીત થઈ હતી. સતત વાતચીત પરથી વિશ્વાસ બેસી ગયો હતો અને સામેની વ્યક્તિએ પૈસા લઈને વિશ્વાસધાત કર્યો.
બન્ને વચ્ચે થયેલી વાતચીતના આધારે તેણે એવું કહ્યું હતું કે,તે ભારતમાં એક હોસ્પિટલ શરૂ કરવા માગે છે. એવો દાવો પણ કર્યો કે, તે મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરવા માટે તુર્કી ગયો છે. ડૉક્ટરે એવું બહાનું ધર્યું કે, ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ધોરણે ટ્રાંઝેક્શન થયા છે એટલે બેંક ખાતુ બ્લોક થઈ ગયું છે. આથી તે પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરી શકતો નથી. હોટેલ, ટેક્સી, ફ્લાઈટ બુકિંગ અને અન્ય ખર્ચ માટે યુદ્ધના ધોરણે પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું. યુવતીએ 1 મે ના રોજ ડૉક્ટરે આપેલા ખાતામાં દોઢ લાખ રૂપિયા ટ્રાંસફર કરી દીધા હતા. સ્લાઈસ સ્મોલ ફાયનાન્સ નામની બેંકમાં આ ખાતું કોઈ આરિફ અલીના નામે હતું.
મહિલા કસ્ટમ ઓફિસર બનીને બોલી

એ પછી 4 મેના રોજ ફરિયાદી પર એક મહિલાનો કોલ આવ્યો અને તે દિલ્હીના કસ્ટમ વિભાગની મહિલા હોવાનું કહ્યું. આ કોલ આવ્યો એ સમયે ફોન પર લખેલું આવ્યું કે એરપોર્ટ સર્વિસ. કોલ કરનારે ફરિયાદીને કહ્યું કે,ડૉ. કોટેચાને કસ્ટમે પકડી લીધા છે. એમને છોડાવવા અને ક્લિયરન્સ માટે ₹85,800 ચૂકવવા પડશે. આ પછી ફરીવાર ફરિયાદીએ એક્સિસ બેંકના એક ખાતામાં પૈસા જમા કર્યા.
એ રકમ હતી ₹85,800, બેંક ખાતુ હતુ આર.કે.એન્ટરપ્રાઈસ. એરપોર્ટ સર્વિસ અંતર્ગત કોલ કરનારી મહિલાએ એવું કહ્યું કે, ડૉ. કોટેચા પાસેથી ₹10-12 લાખની કિંમતની વીટી, નેકસેસ તથા અન્ય બ્રેસલેટ સહિતના દાગીના છે. જેના ક્લિયરન્સ માટે પૈસાની જરૂર છે. આ ઉપરાંત gst ચાર્જ પણ ભરવાનો રહેશે. એ પછી બીજી બે ચૂકવણી કરવા માટે કહ્યું હતું.
એ પછી યુવતીએ કેનેરા બેંક અને એક્સિસ બેંક ખાતામાં પૈસા જમા કર્યા. કેનેરા બેંકમાં ₹1.78 લાખ બુરા સુજાતા કુમારીના નામે અને એક્સિસ બેંકમાં એ જ આર.કે. એન્ટરપ્રાઈસના ખાતમાં ₹1.14 લાખ. એ પછી 5 મી મેના રોજ ફરીવાર ફોન આવ્યો. એ બીજા નંબર પરથી આવ્યો હતો. આ પછી સતત પૈસાની માગ કરવામાં આવતી.
પોલીસે શું કહ્યું?
યુવતીને ખ્યાલ આવ્યો કે આખરે સાયબર ફ્રોડનો તે શિકાર બની છે. એ પછી તેણે 1930 પર કોલ કર્યો અને સમગ્ર હકીકત કહી હતી. જુદા જુદા ખાતા અને અન્ય રીતે કુલ ₹5.28 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.એ પછી મહિલાએ ગાંધીનગર સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ કેસને લઈને જણાવ્યું હતું કે, આ એક પૂર્વઆયોજિત કાવતરૂ છે. ડૉ. નિખિલ કોટેચાના નામનો માત્ર ઉપયોગ કરાયો છે.
બમ્બલ પર એક પ્રોફાઈલ બનાવી હતી. ફરિયાદી સાથે કોન્ટેટ બનાવવા માટે નેધરલેન્ડના મોબાઈલનો ઉપયોગ કરાયો, મહિલાનો પહેલા વિશ્વાસ જીતીને અન્ય રીતે બીજી મહિલાએ દિલ્હી કસ્ટમ ઓફિસર તરીકે વાત કરી હતી. એ પણ નકલી હતું. આ પછી માગ યથવાત રહી પણ મોબાઈલ નંબર બદલતા રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.