અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ અને સલામત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનોમાં હાથ ધરવામાં આવી રહેલી રોડ મરામત અને માર્ગ સુધારણા કામગીરીની સમીક્ષા કરવા મેયર હિતેશભાઈ બારોટે ગત રાત્રે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મેયરે ચાલી રહેલા કામોની ગુણવત્તા, ગતિ અને તકનીકી પાસાઓની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
સમીક્ષા કરી
રાત્રિ દરમિયાન થયેલી આ સાઇટ વિઝિટની શરૂઆત સેન્ટ્રલ ઝોનમાંથી કરવામાં આવી હતી, જ્યાં દરિયાપુર દરવાજાથી ઈદગાહ સર્કલ સુધી ચાલી રહેલી મિલિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શાહપુર વોર્ડમાં લીમડા ચોકથી સરકારી લિથો પ્રેસ સુધી હાથ ધરવામાં આવી રહેલી હેન્ડ લેઇંગ કામગીરીની સમીક્ષા કરી હતી અને માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
આ ઉપરાંત રાણીપ વોર્ડમાં શિવશંકર સોસાયટી વિસ્તારમાં ચાલી રહેલી પેચવર્ક કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાબરમતી વોર્ડમાં અચેર ગામથી અચેર સ્મશાન તરફ જતા માર્ગ પર હાથ ધરવામાં આવી રહેલી પેચવર્ક કામગીરીની પણ સ્થળ પર મુલાકાત લઈ કામની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથો સાથ નારણપુરા વોર્ડમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન નજીક સોલા રોડ પર ચાલી રહેલી હેન્ડ લેઇંગ અને પેચવર્ક કામગીરીનું પણ મેયરશ્રીએ નિરીક્ષણ કર્યું હતું.
સૂચના આપી હતી
માર્ગની સપાટીની ગુણવત્તા, ટ્રાફિક વ્યવસ્થા અને કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા અંગે તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ વાડજ વોર્ડમાં સિમંધર સ્ટેટસથી સ્કાયવિન્ડ પાર્ક સુધી ચાલી રહેલી બિટુમિનસ કૉન્ક્રિટ (બી.સી.) કામગીરી તથા પેવર વર્કની રાત્રિ દરમિયાન સ્થળ મુલાકાત લીધી હતી. આ સિવાય થલતેજ વોર્ડમાં ભાડજ વિસ્તારમાં ભાડજ ગામથી ભાડજ સુપર સીટી રોડ ઉપર હેન્ડ લેઈંગથી પેચ વર્કની કામગીરી કરવામાં આવી અને રૂબરૂ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું અને નાગરિકોને ઓછીમાં ઓછી અસુવિધા થાય તે રીતે કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા સૂચના આપી હતી.