મુંબઈઃ અનંત ચતુર્દશીના પાવન પર્વે મુંબઈભરમાં ગણપતિ બાપ્પાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન સંપન્ન થયા બાદ શનિવારે વહેલી સવારે જૂહુ બીચ પર એક વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિસર્જન બાદ દરિયાકિનારે જમા થયેલા નિર્માલ્ય, પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવા માટે 'સી શોર શાઇન-2026' (Sea Shore Shine-2026) નામનું વિશેષ અભિયાન યોજાયું હતું.
દિવ્યજ ફાઉન્ડેશન દ્વારા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને મુંબઈ પોલીસના સહયોગથી આયોજિત આ સફાઈ અભિયાનમાં બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ (Ajay Devgn), સામાજિક કાર્યકર્તા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ (Amruta Fadnavis) અને તેમની પુત્રી દિવિજા ફડણવીસ (Divija Fadnavis) સહિત અનેક અગ્રણી નેતાઓ અને હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા.
અજય દેવગણે હાથમાં ગ્લોવ્સ પહેરી જાતે કચરો ઉપાડ્યો:
બોલીવૂડ અભિનેતા અજય દેવગણ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ સાથે બીચ પર કચરો એકઠો કરતા જોવા મળ્યા હતા. તેમણે આ પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તહેવારોની ભવ્ય ઉજવણી સાથે પર્યાવરણ અને જાહેર સ્થળોની સફાઈ પ્રત્યે સભાન રહેવું દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે.
દિવ્યજ ફાઉન્ડેશનના સ્થાપક અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે ગણપતિ વિસર્જન બાદ મુંબઈના દરિયાકાંઠાને ફરી સ્વચ્છ બનાવવો એ આપણી નૈતિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે આ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા છે, જે સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ અને પર્યાવરણીય સ્થિરતા બંને સાથે આગળ વધી શકે છે.
આ અભિયાનમાં મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડે સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું. પાલિકા કમિશનર અશ્વિની ભિડેએ જણાવ્યું હતું કે મુંબઈની ખરી ઓળખ તેના સમુદ્રતટ સાથે જોડાયેલી છે. તેથી કુદરતી જળસ્રોતો અને દરિયાકિનારાને સ્વચ્છ રાખવા માટે નાગરિકોનો સહયોગ અનિવાર્ય છે.