Wed Oct 14 2026

Logo

CEC જ્ઞાનેશ કુમારને પદ્મ ભૂષણ આપવાની માંગ કોણે કરી? SIRને વિપક્ષે ફરી વિવાદનો વિષય બનાવ્યો

2026-09-26 16:51:02
Author: Mumbai Samachar Team
CEC જ્ઞાનેશ કુમારને પદ્મ ભૂષણ આપવાની માંગ કોણે કરી? SIRને વિપક્ષે ફરી વિવાદનો વિષય બનાવ્યો

નવી દિલ્હીઃ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે, જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. વિપક્ષે દેશભરમાં ચીફ ઈલેક્શન કમિશનરના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પટણા, દહેરાદૂન, દિલ્હી અને આસામમાં આ વિરોધ પ્રદર્શનની તીવ્રતા વધારે જોવા મળી હતી. જ્યારે હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પાર્ટીઓના લોકો પર વિરોધ પ્રદર્શન દરમિયાન વોટર કેનનો મારો ચલાવવામાં આવ્યો હતો. 

રાજકીય ઘમાસાણ ચરમસીમાએ

જ્ઞાનેશકુમારને લઈ સમગ્ર દેશમાં રાજકીય પારો ચરમસીમા પર પહોંચ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યનું નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે અને દિશા ફંટાવી શકે છે. હકીકત એવી પણ છે કે, એમના સમર્થનમાં કેટલાક લોકો પણ ઊતર્યા છે. ભટ્ટાચાર્ય એ કહ્યું હતું કે,પશ્ચિમ બંગાળમાં સ્વતંત્ર તથા શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા તથા વોટરલીસ્ટ આપવા મુદ્દે જ્ઞાનેશકુમારની ભૂમિકા મહત્ત્વની રહી છે.

આ માટે કમિશનરને કમ સે કમ પદ્મભૂષણ આપીને સન્માનિત કરવા જોઈએ. ભટ્ટાચાર્યએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને પણ ગંભીરતાથી લેતી નથી. હવે કેટલાક લોકો રાહુલ ગાંધીની વાત કરી રહ્યા છે. એમના શબ્દો બોલી રહ્યા છે. જ્ઞાનેશકુમારને કમ સે કમ પદ્મભૂષણ આપવો જોઈએ. સમગ્ર પશ્ચિમ બંગાળની પ્રજા ખુશ છે. આ પાછળનું કારણ એ છે કે, લાંબા સમય બાદ પ્રજા દબાણ અને ડરના માહોલથી બાહર નીકળી છે. 

બંગાળના પ્રજાના આશીર્વાદ છે

હત્યાના કોઈ જ બનાવ વગર લોકોને મતદાન કરવાનો ચાન્સ મળ્યો છે. પશ્ચિમ બંગાળના અધ્યક્ષ ભટ્ટાચાર્યએ કહ્યું કે, બંગાળ એક બોર્ડર સ્ટેટ છે. જ્યાં મતદાતાઓની સૂચીમાં સામેલ બાંગ્લાદેશી ઘુસણખોરોના નામ દૂર કરવા મુદ્દે જ્ઞાનેશકુમારના નેતૃત્વમાં દમદાર કામ થયું છે. બંગાળની સામાન્ય પ્રજાના આશીર્વાદ એમની સાથે છે.

ભાજપ પણ એવું ઈચ્છે છે કે, એમને પદ્મપુસ્કારથી સન્માનિક કરવામાં આવે. જ્ઞાનેશકુમારને લઈને આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે SIRની પ્રક્રિયાને લઈને સતત ચૂંટણીપંચ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે વિવાદની શરૂઆત એક મીડિયા રિપોર્ટથી થઈ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે,ચૂંટણીપંચના અન્ય બે કમિશનર સુખબીરસિંહ સંધૂ તથા વિવેક જોશીએ SIRની પ્રક્રિયા તથા નિર્ણય સામે વાંધો ઊઠાવ્યો હતો. છેલ્લા દસ મહિનામાં અનેકવાર આ મુદ્દા પર અસહમતી વ્યક્ત કરવામાં આવી છે.  14 વખત તો લેખિતમાં અસહમતી વ્યક્ત કરવામાં આવી છે. 

રાહુલ ગાંધીએ કરી રાજીનામાની માગ

આ મુદ્દો વિપક્ષના ધ્યાને આવતા જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં વડા પ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર ગંભીર કહી શકાય એવા આરોપ મૂક્યા હતા. રાહુલ ગાંધીએ જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે સરકારી સાક્ષી બની જવાની વાત કહી હતી.  

રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આવા વિવાદના કારણે લોકતાંત્રિક સંસ્થાને નુકસાન પહોંચ્યું છે. SIR દરમિયાન મતદાતાઓના નામ જોડવા અને દૂર કરવાને લઈને સવાલ થયા છે. જો મતની વ્યવસ્થા નબળી પડે છે આની માઠી અસર પ્રજાને પણ થાય છે.