મોગાદિશુઃ સોમાલિયાના પુંટલેન્ડના કિનારે સમુદ્રી ચાંચિયાઓએ ફરી ત્રાસ વર્તાવ્યો છે. ખાસ વાત એ છે કે, ધારદાર હથિયારથી જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે એમાં છ ભારતીય નાવિક છે. આ જહાજમાં કુલ 10 સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચાંચિયાઓ જહાજને નુગાલ કિનારા તરફ લઈ ગયા છે. આ પછી હુમલામાં ચાર વ્યક્તિના મોત નીપજયા હોવાના પણ વાવડ સામે આવ્યા છે.આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે.
સ્ટોક ચાંચિયાઓ લૂંટી ગયા હતા
સોમાલિયાના પુટલેન્ડના કિનારે સમુદ્રી લૂંટારાઓએ કેમરૂનના ઝંડા ધારવતા કાર્ગો જહાજને હાઈજેક કરી લીધુ હતુ. જહાજ પર તુર્કીના હથિયાર તથા સંચાર સેટેલાઈટ હોવાનું પણ જાણવા મળ્યું છે. એક સોમાલી અધિકારીના જણાવ્યા અનુસાર સમુદ્રી લૂંટારા જહાજને પુટલેન્ડના નુગાલ કિનારા સુધી લઈ ગયા હતા. MV/V લુટુફને સોમવારે પુટલેન્ડના ઈયલ જિલ્લામાં મારેયાથી આશરે સાડા ત્રણ નોટિકલ માઈલ દૂર લઈ જવાયું પછી કબજો કરી લેવાયો હતો. આ સંવેદનશીલ બાબત વિશે જાહેરમાં વાત કરવાનો અધિકાર ન હોવાથી, અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી.
આ જહાજ પર એક તુર્કીનો નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે સર્બિયાના સુરક્ષા ગાર્ડ પણ છે. જહાજની માલિકી પોલર મુવમેન્ટ શિપિંગ કંપની પાસે હોવાની વિગત મળી છે. આ જહાજ હથિયાર લઈને જઈ રહ્યું હતું. હથિયાર મોગાદિશુમાં હાજર તુર્કીના સૈન્યને ટ્રેનિંગ માટે પહોંચાડવામાં આવી રહ્યા હતા. પણ ટ્રેનિંગ કેમ્પ સુધી પહોંચે એ પહેલા આ સ્ટોક ચાંચિયાઓ લૂંટી ગયા હતા.
આઠ ચાંચિયાઓએ જહાજ પર કબજો કરી લીધો
આ સમગ્ર ઘટનાને લઈને તુર્કીના કોઈ અધિકારીએ સત્તાવાર વાત કરી નથી અને કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી. રિપોર્ટ અનુસાર આઠ ચાંચિયાઓએ જહાજ પર કબજો કરી લીધો હતો. એવું માનવામાં આવે છે કે, આ એ જ જૂથ છે જે તા.26 એપ્રિલના રોજ M/V Sward ના અપહરણમાં સામેલ હતું. ચાંચિયાઓએ જહાજને ડાંગોરયો જિલ્લામાં ગાર્મલ નજીકના દરિયાકાંઠે લઈ ગયા. સોમાલીના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાછળથી બે તુર્કીની માલિકીના જહાજો અપહરણ કરાયેલા જહાજની નજીક પહોંચ્યા, જ્યારે તુર્કીના હેલિકોપ્ટર અને ડ્રોન આ વિસ્તાર પર નજર રાખતા હતા. બે વ્યક્તિઓને લઈને એક નાની હોડી જહાજની નજીક પહોંચી અને ખાટ પહોંચાડી.
સમુદ્રી ચાંચિયાઓ ફરીવાર સક્રિય
ખાટ એ એક પ્રકારનું ઉત્તેજક છે જે સામાન્ય રીતે સોમાલિયામાં ચાવવામાં આવે છે. અધિકારીના જણાવ્યા મુજબ, નાની હોડી કિનારે પાછી ફર્યા પછી હવાઈ હુમલો કરવામાં આવ્યો. હુમલામાં ચાર લોકો માર્યા ગયા અને બે અન્ય ઘાયલ થયા. જોકે, હુમલાની પરિસ્થિતિઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાઈ નથી. હુમલો કોણે કર્યો અને શું માર્યા ગયેલા લોકો જહાજના અપહરણમાં સામેલ હતા તે પણ સ્પષ્ટ નથી.આ સમગ્ર ઘટનાને લઈને ફરીવાર એ ચર્ચા શરૂ થઈ છે કે, સમુદ્રી ચાંચિયાઓ ફરીવાર સક્રિય થઈ ગયા છે. આ સમગ્ર માહોલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.