Tue Sep 01 2026

Logo

રાજકોટ સિવિલમાં મહિલા તબીબને માર મારવાના મામલે સુપ્રિટેન્ડન્ટ ડો. મોનાલીને પદેથી હટાવાયા

2026-08-21 22:12:15
Author: Mumbai Samachar Team
રાજકોટ સિવિલમાં મહિલા તબીબને માર મારવાના મામલે સુપ્રિટેન્ડન્ટ ડો. મોનાલીને પદેથી હટાવાયા

અમદાવાદ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર દ્વારા મહિલા તબીબને માર મારવાનો મામલો વધુ વકર્યો છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે ડૉ. મોનાલી માકડિયાને સિવિલ અધિક્ષકના પદેથી દૂર કર્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકે હવે નેફ્રોલોજી વિભાગના ડો. કમલ ડોડીયાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ડૉ. મોનાલી માકડિયા સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમની જગ્યાએ ડૉ. કમલ ડોડિયાને નવા સિવિલ અધિક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ સુધી પડઘા પડ્યા
મળતી માહિતી મુજબ, ડૉ. મોનાલી માકડિયાએ છેલ્લા કેટલાક સમયથી અધિક્ષકના પદેથી મુક્ત કરવા માટે આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ અધિક્ષકના પદમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. હવે નવા સિવિલ અધિક્ષક તરીકે ડૉ. કમલ ડોડિયા હોસ્પિટલની જવાબદારી સંભાળશે. સમગ્ર ઘટનાને પગલે તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાં પણ આ નિર્ણયને લઈને ચર્ચા જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટનાના પગલે આરોગ્ય વિભાગના આ નિર્ણય બાદ હવે આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર રહેશે.

ડૉક્ટર પર હુમલો 
બીજી તરફ, રેસિડન્ટ ડોક્ટર પર હુમલો, ગાળાગાળી અને ધમકી આપવાના 20 ઓગસ્ટના બનાવમાં પોલીસે આરોપી સિનિયર ડોક્ટર અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીની અટકાયત કરી હતી. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અને તબીબોની સુરક્ષા ખાતરી મળતા જુનિયર તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. સિનિયર અધિકારીઓ દ્વારા આરોપી ડોક્ટર અશ્વિન રામાણી વિરૂદ્ધ ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ સોંપાયો છે અને તેમને હાલ ફરજ પરથી દૂર રહેવાની લેખિત સૂચના આપી હતી.આવી ઘટના પહેલીવાર નથી બની, આ પહેલા પણ આવી ઘટનાને લઈ ફરી ડૉક્ટર સામે સુરક્ષાનો મુદ્દો ઊઠ્યો છે.