રાજકોટઃ રાજકોટ મહાનગરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાં દુષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ સામે આવી છે. નાગરિકો તો ઠીક, કોર્પોરેટરો પણ આ ગંભીર ફરિયાદો કરી રહ્યા છે. તેવામાં હવે લોકોના આરોગ્ય સાથે ચેડા થવા સહિતના સંજોગો ઉભા થતા જનરલ બોર્ડમાં આ પ્રશ્નન પડઘાઈ રહ્યો છે. કોર્પોરેટર પ્રવિણભાઇ સેગલીયાએ છેલ્લા છ મહિનામાં દુષિત પાણીની ફરિયાદો અંગે માંગેલી વિગતના જવાબમાં 18 વોર્ડમાં ફૂલ 5326 આવી ફરિયાદ આવ્યાનું અને તેમાંથી 5239નો નિકાલ થયાનું તંત્રએ સ્વીકાર્યુ છે. આ સંજોગોમાં ચોમાસા સિવાયના દિવસોમાં પણ રાજકોટના સંખ્યાબંધ વિસ્તારોમાં પ્રદુષિત પાણી વિતરણ થતું હોવાનું જાહેર થતા હોબાળો મચી ગયો છે.
સૌથી વધારે ફરિયાદ આ વૉર્ડની
પરંતુ હાલ તો 18 વોર્ડમાંથી મળેલી દુષિત પાણીની ફરિયાદમાં ન્યુ રાજકોટના વોર્ડ નં. 11માં સૌથી વધુ 1109 ફરિયાદો સત્તાવાર રીતે નોંધાઇ છે. તો વોર્ડ નં.1, 7 અને 8 માં તો વારંવાર ફરિયાદ આવતા વિસ્તારોના નામ ઉપલબ્ધ નહીં હોવાનો જવાબ જનરલ બોર્ડમાં અધિકારીઓએ આપ્યો છે. મહાનગરમાં વોર્ડ નં.11ના નવા વિસ્તારમાં કુલ 1109 ફરિયાદો લોકોએ નોંધાવી છે. જેમાં કસ્તુરી રેસીડેન્સી, અંબિકા ટાઉનશીપ, મોટા મવાના પોશ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ બાદ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.3માં 361 ફરિયાદ છે જેમાં પરસાણાનગર, જંકશન, ગાયકવાડી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. વોર્ડ નં. 7માં 333 ફરિયાદો નાગરિકોએ નોંધાવી છે. વોર્ડ નં.1માં 351 અને વોર્ડ નં.8માં પણ 336 ફરિયાદ છે. જેના વિસ્તારો તંત્રએ જાહેર કર્યા નથી. વોર્ડ નં.2ના સભાપનગર, નહેરૂનગરની પણ આવી જ હાલત છે.
દૂષિત પાણી પાછળનું કારણ આપ્યું
વોર્ડ નં.14માં તો કેવડાવાડી, મીલપરા, ગીતાનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીની ફરિયાદો અવારનવાર આવતી હોવાનું તંત્ર સ્વીકારે છે. સામાકાંઠે વોર્ડ નં.4માં મોરબી રોડની જુદી જુદી સોસાયટીઓ, વેલનાથપરા, વોર્ડ નં.5માં આર્યનગર, લાલપરી, ભગીરથ સોસાયટી, વોર્ડ નં.6માં યુવરાજનગર, બાલકૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારોમાં ડહોળુ પાણી મળી રહ્યું છે. ફેબ્રુઆરી- 2026થી જુલાઇ-2026 સુધીમાં કુલ 5326 ફરિયાદો આવી હતી જેમાંથી 33 હજુ પેન્ડીંગ છે. સરકારી તંત્ર દુષિત પાણી આવવાના કારણ માટે ડ્રેનેજ સિસ્ટમ, ચોકઅપ અને દાયકા જુની વોટરસિસ્ટમ જવાબદાર હોવાનું ગણાવ્યું છે.