અમદાવાદઃ ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં અનેક લોકો કમોતે ભેટ્યાં છે, જ્યારે અનેક લોકો હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં 'દારૂબંધી' માત્ર કાગળ પર જ છે તેવા અનેક આક્ષેપો થતાં આવ્યાં છે. આ સમગ્ર મામલે 'મુંબઈ સમાચાર'એ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હિતેશ ઠક્કર સાથે ખાસ વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન હિતેશ ઠક્કર ઉર્ફે 'હિતેશ કાકા'એ ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં જે લોકોના મોત થતાં તેમના માટે સંવેદના વ્યક્ત કરી અને 'દારૂબંધી' અંગે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.
તેમણે સૌથી મહત્ત્વની વાત એ પણ કરી હતી કે પૂજ્ય ગાંધીજી ગુજરાતમાં ફક્ત દારુબંધી જ કેમ, અન્ય નિર્દેશોનું પાલન કરવું જોઈએ. તેઓ એકલા ગુજરાતમાં રહ્યા નહોતા, પરંતુ મુંબઈ, દિલ્હી સહિત વિદેશમાં પણ રહ્યા હતા, ત્યાં પણ આજે દારુબંધી નથી તો આપણે ફક્ત ક્યાં સુધી વળગી રહીશું.
લઠ્ઠાકાંડના પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી
ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ભાવનગર લઠ્ઠાકાંડના આકરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે એના અંગે હિતેશ ઠક્કર (હિતેશ કાકા)એ લઠ્ઠાકાંડના પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે દારૂબંધી પર અવારનવાર સવાલો ઉઠાવતા હિતેશ ઠક્કરે કહ્યું કે, ‘ગુજરાતમાં દારૂબંધી એ ગુજરાતીઓ સાથે અન્યાય છે. ગુજરાતના લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતી લોકોના રૂપિયા બીજા રાજ્યોમાં જઈ રહ્યાં છે’. એટલે સરકારે આ (દારૂબંધી) મામલે ફરી વિચાર કરવો જોઈએ તેવું જણાવ્યું હતું.
ગાંધીજીના બીજા નિર્દેશનું કેમ પાલન નથી કરાતું?
હિતેશ ઠક્કરે કહ્યું કે, ગુજરાતમાં માત્ર ગાંધીજીના કારણે દારૂબંધી રાખવામાં આવે તે યોગ્ય નથી! જો ગાંધીજીના નિયમોનું પાલન કરવું જ હોય તો માત્ર દારૂ માટે જ કેમ? ગાંધીજીના બીજા નિર્દોશનું પાલન કેમ નથી કરવામાં આવતું? માત્ર દારૂ અંગે નિયમોનું પાલન કરીને ગુજરાતના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે’.
હિતેશ ઠક્કરનું કહેવું છે કે, ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવામાં આવે તો, લોકોને સારો અને શુદ્ધ દારૂ મળી શકે! આ લઠ્ઠાકાંડ ખરાબ અને નકલી દારૂના કારણે થયો છે, જો લોકોને શુદ્ધ દારૂ મળે તો ભેળસેળ વાળો દારૂ રાજ્યમાં ના આવે અને આવી ઘટનાઓ સર્જાય જ નહીં!
'દારૂબંધી' હટાવી દેવામાં આવે તેવી માંગણી
ભારતમાં બે જ રાજ્યો એવા છે જેમાં દારૂબંધી છે, એક ગુજરાત અને બીજું બિહાર! આ બંને રાજ્યોમાં દારૂબંધી હટાવી દેવામાં આવે તેવી હિતેશ ઠક્કરે માંગણી કરી છે. આ મામલે આંદોલન કરવામાં આવશે કે કેમ? તે અંગે વાત કરતા હિતેશ ઠક્કરે કહ્યું કે, હું આંદોલન કરી શકું તેવી સ્થિતિમાં નથી. અમારી ઉંમરના લોકોને સાંજે 8 વાગે એટલે જમવા જોઈએ. ગુજરાતમાં આવા આંદોલનને કોઈ સપોર્ટ આપવા પણ ના આવે, કારણે બીજી રાજ્યોમાં તો દરેકને દારૂ મળી જ રહે છે! આ અંગે સરકાર પર કટાક્ષ પણ કર્યો કે, શું સરકાર માત્ર આંદોલનથી જ માનશે?
ગુજરાતમાં દરેક જગ્યાએ દારૂ મળતો હોવનો દાવો
તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે અત્યારે ભલે ગુજરાતમાં દારૂબંધી હોય છતાં બધે જ દારૂ મળી રહ્યો છે. કહ્યું કે, મને આંખે પાટો બાંધીને ગુજરાતના કોઈ પણ સ્થળે લઈ જાઓ માત્ર 20 જ મિનિટમાં હું તમને દારૂ શોધી આપીશ! મૂળ તેમની માંગણી એટલી જ છે જ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવે અને લોકોને સારો દારૂ મળે તે માટે નિર્ણય લેવામાં આવે! આ સાથે હિતેશ ઠક્કરે ગુજરાતના તમામ લોકોને કહ્યું કે, કોઈ પણ બુટલેગર તમને એમ કહે કે આ બોટલ રાજસ્થાનની કે મધ્ય પ્રદેશની છે તો તેનો વિશ્વાસ ના કરો! એટલે કે ગુજરાતમાં કથિત રીતે મળતા દારૂ પર વિશ્વાસ ના કરવા માટે અપીલ કરી છે.
ડિસ્ક્લેમર: 'મુંબઈ સમાચાર' કોઈ પણ પ્રકારે દારૂના સેવનને પ્રોત્સાહન આપતું નથી.