Sat Sep 05 2026

Logo

જો તમે શાંતિ ઇચ્છો છો તો યુદ્ધની તૈયારી કરો; પડોશી દેશો તરફ ઇશારો કરી પૂર્વ સેના પ્રમુખે કેમ કરી આ વાત?

2026-08-21 14:25:00
Author: Mumbai Samachar Team
જો તમે શાંતિ ઇચ્છો છો તો યુદ્ધની તૈયારી કરો; પડોશી દેશો તરફ ઇશારો કરી પૂર્વ સેના પ્રમુખે કેમ કરી આ વાત?

નવી દિલ્હીઃ પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ચીનને આવનારા વર્ષોમાં ભારતનો મુખ્ય પ્રતિસ્પર્ધી ગણાવ્યો છે. તેમણે કહ્યું કે બેજિંગન રાજકીય, આર્થિક, વેપારી અને સૈન્ય ક્ષેત્રોમાં નવી દિલ્હીને પડકાર ફેંકવાની સંભાવના છે. 

તો બીજી તરફ તેમણે પડોશી દેશોમાં થયેલી ઉથલ-પાથલ પર કહ્યું કે ભારતે પડોશી દેશોમાં સ્થિરતા ટકાવી રાખવા માટે મદદ કરવી જોઇએ, સાથે જ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આપણી સેના પાસે પર્યાપ્ત પ્રતિકાર ક્ષમતા હોય. નરવણેએ કહ્યું , 'જો તમે શાંતિ ઇચ્છો તો યુદ્ધની તૈયારી કરો'.

પોતાના નવા પુસ્તક 'ધ ક્યૂરિયસ એન્ડ ધ ક્લાસિફાઇડ : અનઅર્થિગ મિનિટ્રી મિથ્સ એન્ડ મિસ્ટ્રીઝ'ના વિમોચન પ્રસંગે બોલતા પૂર્વ સેના અધ્યક્ષ જનરલ મનોજ નરવણેએ કહ્યું કે આતંકવાદના સતત જોખમના કારણે ભારતનું ધ્યાન મોટાભાગે પાકિસ્તાન પર કેન્દ્રીત રહ્યું છે, પરંતુ લાંબાગાળે ચીન ઘણાં ક્ષેત્રોમાં ભારતનો મુખ્ય પ્રતિસ્પર્ધી બનવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચે પ્રતિસ્પર્ધા, આર્થિક, વેપારી અને સૈન્ય સહિત ઘણાં ક્ષેત્રોમાં હશે.

'ચીન આપણો શત્રુ નહીં, હરીફ છે'

ચીનના સંદર્ભમાં શત્રુ શબ્દનો ઉપયોગ કરવાથી બચીને ચાલતા નરવણેએ કહ્યું કે ભારતે ચીન સાથે લાંબા સમયથી ચાલતા મતભેદોને વાતચીત દ્વારા ઉકેલ લાવવાની સાથે સાથે મજબૂત સૈન્ય પ્રતિરોધક ક્ષમતા જાળવી રાખવાની જરૂરિયાત છે. 

પાકિસ્તાન અને ચીનની પરિસ્થિતિ અલગ-અલગ

પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે ભારતે પાકિસ્તાન અને ચીન બન્ને સાથે યુદ્ધ લડ્યા છે અને બન્નેની સાથે સીમા વિવાદ  હજુ વણઉકેલાયો છે. તેમણે કહ્યું કે બન્ને દેશ જુદાજુદા પ્રકારના પડકારો રજૂ કરે છે. એટલે તેઓ હંમેશા જોખમ અને પડકાર સ્વરૂપે આપણા રડાર પર રહેશે.