Sat Aug 29 2026

Logo

લૂલી-લંગડી દારૂબંધી કરતાં મુક્ત વેચાણ સારું: જાણો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનો મત

2026-08-21 13:03:00
Author: Mayur Patel
લૂલી-લંગડી દારૂબંધી કરતાં મુક્ત વેચાણ સારું: જાણો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનો મત

અમદાવાદઃ ભાવનગર લઠ્ઠાકાંડની માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે. આ કેસમાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે અને 60થી વધુ અસરગ્રસ્ત થયા છે. ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે માત્ર ચાર વર્ષના ગાળામાં  જ મોટો લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ અંગે એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારે રાજ્યના જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા સાથે ટૉક શો કર્યો હતો. જેમાં તેમણે ભાવનગર લઠ્ઠાકાંડના સંદર્ભમાં ગુજરાતની દારૂબંધી નીતિ, વહીવટીતંત્રની ભૂમિકા અને તેની આર્થિક-સામાજિક અસરો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

મરી જવું છ પણ લઠ્ઠો તો પી લેવો જ છે

જગદીશ મહેતાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું કે, જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર સફાળું જાગે છે અને દરોડા પાડે છે. ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ દારૂ મળે છે.  પણ મૂળ વાત એ છે કે તમે એવો મોકો શું કામ આપો છો કે મરી જવું છ પણ લઠ્ઠો તો પી લેવો જ છે. એક દલીલ એવી છે કે જેને લૂલી લંગડી કહી શકાય તેવી દારૂબંધી હોય એના કરતાં મુક્તપણે દારૂ મળે તેમાં જરાય ખોટું નથી.

ચંદ્રકાંત બક્ષીનો ઉલ્લેખ કરીને શું કહ્યું

તેમણે કહ્યું, આપણા જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીએ અનેક વખત આ વાતને ઉજાગર કરી છે. તેમણે વારંવાર કહ્યું હતું કે, ગુજરાતમાં કહેવાતી દારૂબંધી એકદમ વાહીયાત છે. તેઓ ત્યાં સુધી કહેતા કે ગુજરાતમાં ગેરકાયદે પીવાતા શરાબને જો એક હોજમાં ભરવામાં આવે તો આખું સચિવાલય ડૂબી જાય. વાત તો પીનારા લોકોની પણ સાચી છે કે, અમને સારો દારૂ નથી મળતો એટલે અમારે લઠ્ઠો પીવો પડે છે. આમ જુઓ તો વાતમાં જરાય નવું નથી. ગુજરાતમાં અત્યારે જે દારૂબંધી છે તેને હાસ્યાસ્પદ કહી શકાય.

બુટલેગરોનું નેક્સસ ખતરનાક બનતું જાય છે

ગોવામાં દારૂબંધી નથી એટલે ત્યાં ક્રાઈમ રેટ સાવ ઓછો છે, એટલે દારૂ દૂષણ છે અને તેનાથી ક્રાઈમ રેટ વધે છે તે દલીલ પણ ખોટી છે. ખરેખર તો ગુજરાતમાં દારૂબંધી છે એટલે ક્રાઈમ અને બુટલેગરોનું નેક્સસ ખતરનાક બનતું જાય છે. ગુજરાતમાં અત્યારે જે દારૂબંધી છે તે બોગસ દારૂબંધી છે તેના કારણે તો બેવડું નુકસાન છે. જગદીશ મહેતાએ કહ્યું દારૂબંધીને કારણે રાજ્ય સરકાર દર વર્ષે આશરે રૂ. 12,000 થી રૂ. 18,000 કરોડ જેટલી એક્સાઈઝ ડ્યૂટીની આવક ગુમાવી રહી છે. બીજું કેટલાય પરિવારના મોભી લઠ્ઠા પીને ગુજરી જાય છે એટલે તબાહી નોતરાય છે.

શંકરસિંહ વાઘેલા પણ દારૂબંધી હટાવી લેવી જોઈએ તેમ કહેતા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જેઓ ટનાટન સરકારના પ્રણેતા હતા તેઓ ચોખ્ખું કહેતા કે દારૂબંધી હટાવી લેવી જોઈએ. તેનો અર્થ એવો નથી થતો કે બધાએ દારૂ પીવો જોઈએ. હું મુંબઈમાં 10 વર્ષ રહ્યો છું, ત્યાં દારૂની છૂટ છે. ત્યાં દારૂ પીને કોઈ મરી ગયું હોય તેવું મેં જોયું નથી. સૌરાષ્ટ્રમાં જેવી રીતે  લસ્સી મળે છે તેવી રીતે ત્યાં બારમાં દારૂ મળે છે, જેને પીવો હોય તે ત્યાં જઈને પી શકે છે. દારૂ સારો ભલે નથી પરંતુ દારૂબંધીના કારણે તબાહી નોતરાય છે. તેના બદલે દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો વધુ સારું રહે.

દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સૌથી પહેલાં પોલીસ તંત્ર તરફડીને મરી જાય

જગદીશ મહેતાએ કહ્યું, હું તો પહેલા પણ કહી ચુક્યો છું કે જો દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સૌથી પહેલાં પોલીસ તંત્ર તરફડીને મરી જાય, દારૂડિયા નહીં. બુટલેગરોનું અને આ બધાનું નેકસસ એવું છે કે, 10 ગણાથી વધુ નફાનું દારૂનું ટર્નઓવર છે. રાજ્યમાં બુટલેગરોનું વાર્ષિક ટર્નઓવર રૂ. 30,000 કરોડથી વધુ હોવાનું અનુમાન છે. અન્ય રાજ્યોમાંથી ટ્રકો ભરીને દારૂ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે વિવિધ એજન્સીઓ શું કરે છે.  ઘટના બને ત્યારે માત્ર નાના કર્મચારીઓ સામે પગલાં લેવાય છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી. જો આતંકવાદી આવે તેની ખબર પડી જતી હોય તો દારૂ આવે તેની કેમ ખબર ન પડે.

કડક કાયદા હોવા છતાં બુટલેગરને ફાંસી નહીં

ભૂતકાળના મોટા લઠ્ઠાકાંડો અને કાયદાકીય નિષ્ફળતા અંગે તેમણે કહ્યું, ગુજરાતમાં લઠ્ઠાકાંડનો ઇતિહાસ ઘણો જૂનો છે. 1989માં વડોદરામાં મિથાઈલ આલ્કોહોલ મિશ્રિત દારૂ પીવાથી 132 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 2009માં અમદાવાદના ઓઢવ અને બહેરામપુરા વિસ્તારમાં 136 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ સરકારે બોમ્બે પ્રોહિબિશન એક્ટમાં સુધારો કરી લઠ્ઠાકાંડના ગુનેગારો માટે ફાંસીની સજાની જોગવાઈ કરી હતી. જોકે તેમ છતાં 2022 માં બોટાદ-બરવાળામાં કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાથી 42 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં આટલા કડક કાયદા હોવા છતાં 2009 પછીના વર્ષોમાં એક પણ બુટલેગરને ફાંસી કે લાંબી સજા થઈ શકી નથી.
 
વિશ્લેષક અનુસાર આ સમસ્યાના નિવારણ માટે બે મુખ્ય વિકલ્પો છે. કાનૂની સુધારો: જેમ ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવી, તેમ સમગ્ર નીતિનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવે જેથી ગેરકાયદેસર વેપાર અને ઝેરી લઠ્ઠાના વેચાણ પર રોક લાગી શકે છે. બીજું સામાજિક જાગૃતિ: દારૂબંધી કાયદાના ડરથી લાદવાને બદલે લોકો નૈતિક રીતે અને સંસ્કારના ભાગરૂપે દારૂથી દૂર રહે તેવી સામાજિક માનસિકતા કેળવવી જરૂરી છે.