Sat Sep 05 2026

Logo

ઉલ્હાસનગરમાં મેફેડ્રોન ડ્રગ્સ, 20 લાખની રોકડ, દાગીના જપ્ત: ચાર જણની ધરપકડ

2026-08-21 17:07:53
Author: Yogesh D. Patel
ઉલ્હાસનગરમાં મેફેડ્રોન ડ્રગ્સ, 20 લાખની રોકડ, દાગીના જપ્ત: ચાર જણની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં પોલીસે છ લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ, 20 લાખની રોકડ અને દાગીના જપ્ત કરીને ચાર જણની ધરપકડ કરી હતી.ઉલ્હાનગરના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) સચિન ગોરેએ કહ્યું હતું કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે માહિતી મળ્યા બાદ પોલીસની ટીમે તાજેતરમાં ભગતસિંહ નગર વિસ્તારમાં રેઇડ પાડી હતી અને 6.68 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

પોલીસે બાદમાં 20.76 લાખની રોકડ અને 64,700 રૂપિયાના સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કર્યાં હતાં, એમ ગોરેએ જણાવ્યું હતું.આ પ્રકરણે ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમની ઓળખ અયાઝ સાહિબઝાદા સૈયદ, નૂરજહાં તૌફિક શેખ, શકીરા ઇસ્તિયાક અન્સારી અને શરીફ સલીમ શેખ તરીકે થઇ હતી.

ચારેય આરોપીને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન ગુનામાં સામેલ બીજા ચાર આરોપીને ઓળખી કાઢવામાં આવ્યા હતા, જેમની શોધ ચલાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે ઉલ્હાસનગર પોલીસે ગયા વર્ષે પાંચ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. (પીટીઆઇ)