Wed Sep 02 2026

Logo

મહેસાણાની પટેલ ડૉક્ટર યુવતીના દલિત ડૉક્ટર સાથે લવ મેરેજ મુદ્દે પાટીદાર સમાજ કેમ આવ્યો મેદાનમાં ?

2026-08-22 08:49:24
Author: Mayur Patel
મહેસાણાની પટેલ ડૉક્ટર યુવતીના દલિત ડૉક્ટર સાથે લવ મેરેજ મુદ્દે પાટીદાર સમાજ કેમ આવ્યો મેદાનમાં ?

અમદાવાદઃ મહેસાણાની પટેલ ડૉક્ટર યુવતીના દલિત ડૉક્ટર સાથે લવ મેરેજ મુદ્દે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે.  પાટીદાર સમાજે પોલીસ પર એક તરફી કાર્યવાહીનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત જો ફરિયાદ નહીં લેવામાં આવે તો મોટું આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. પોલીસ સ્ટેશનમાં પાટીદાર સમાજના આક્રમક તેવરને જોઈ લોક દરબાર પણ રદ કરવો પડ્યો હતો.

શું કહ્યું પાટીદાર અગ્રણીએ

પટેલ ડૉક્ટર યુવતીના દલિત ડૉક્ટર સાથે લવ મેરેજ મુદ્દે  પાટીદાર અનામત આંદોલન સમિતિ, એસપીજી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ખોડલધામ સહિતની સંસ્થાઓના આગેવાનો મહેસાણા  એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા.  પાટીદાર સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી કે જો પોલીસ તાકીદે તટસ્થ પગલાં નહીં ભરવામાં આવો તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પાટીદાર અગ્રણી સતિષ પટેલે જણાવ્યું હતું કે, યુવતી ભાગી જતાં પરિવારજનો તેને સમજાવવા ગયા હતા. આ દરમિયાન યુવતીની માતા નીતાબેન પર સામા પક્ષ દ્વારા લાકડીઓથી જીવલેણ હુમલો કરાયો અને તેમને માનસિક ત્રાસ આપી બંધક બનાવવાની ધમકી અપાઈ હતી. આટલું જ નહીં, સામા પક્ષે પોલીસ પર દબાણ લાવીને આ સામાજિક વિવાદમાં અપહરણ અને એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાવી ઈજાગ્રસ્ત માતા અને અન્ય 8 ભાઈઓને જેલમાં ધકેલી દીધા હતા.

પોલીસ કસ્ટડીમાં પણ ઈજાગ્રસ્ત મહિલાને યોગ્ય સારવાર કે ભોજન ન અપાયું હોવાનો ગંભીર આક્ષેપ કરતા આગેવાનોએ જણાવ્યું કે, પોલીસે એકતરફી કાર્યવાહી બંધ કરી બંને પક્ષે સમાન ન્યાય આપવો જોઈએ. પાટીદાર સંસ્થાઓએ માગ કરી છે કે ખોટી ફરિયાદો રદ્દ કરી સાચા આરોપીઓ સામે તુરંત ગુનો દાખલ કરવામાં આવે, અન્યથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસશે તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે.

જાણો શું છે સમગ્ર મામલો

મહેસાણામાં ખાનગી હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. સ્મિત પરમાર અને પાલનપુરના સદરપુર ગામની ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ 4 મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા. અલગ જ્ઞાતિમાં લગ્નથી નારાજ ચાંદનીના પિયરિયાંએ સાસરીમાં ઘૂસી તેનું અપહરણ કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ હતી.  18 ઓગસ્ટના રોજ બપોરે ચાંદની સાસરે સાસુ સાથે હતી ત્યારે તેના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ સહિતના લોકો બે કારમાં આવ્યા હતા. માતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢી ઘરમાં પ્રવેશ્યા બાદ, વાતચીત દરમિયાન ચાંદનીના વાળ પકડીને તેને બળજબરીપૂર્વક ઘરની બહાર ઢસડી કારમાં નાખીને ઉઠાવી ગયા હતા.

ઝપાઝપી અને ભાગદોડ દરમિયાન ચાંદનીની માતા કારમાં ચડી શકી નહોતી. તેઓ નીચે પડી જતાં અન્ય આરોપીએ તેને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનાક્રમ ડૉક્ટરના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ડૉ. સ્મિતની માતાએ આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.