એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના નિયમોના મામલે આ વાત સાચી પડી છે. કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનથી ફફડેલી કેન્દ્ર સરકારે યુજીસીના નવા નિયમો પડતા મૂકવાની પણ તૈયારી બતાવી છે. એક સમયે કેન્દ્ર સરકાર યુજીસીના નવા નિયમોનો અમલ કરાવવા કૂદાકૂદ કરતી હતી. આ વરસની શરૂઆતમાં કૉલેજો અને યુનિવર્સિટીઓ સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ રોકવા બનાવાયેલા નવા નિયમોના કારણે દેશભરમાં ને ખાસ તો ઉત્તર ભારતમાં ભારે બબાલ થઈ ગયેલી.
આ નિયમોના કારણે સવર્ણો એટલે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની કનડગત કરાશે એવો ડર વ્યક્ત કરીને દેશભરમાં ઉગ્ર દેખાવો થયેલા પણ કેન્દ્ર સરકાર કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. હવે અચાનક કેન્દ્ર સરકારે આ નિયમો અંગે ફેરવિચારણા ચાલી રહી હોવાની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે. આપણે ત્યાં ફેરવિચારણાનો મતલબ, કચરાટોપલીભેગું કરવું એવો થાય છે એ જોતાં કેન્દ્ર સરકાર આ નિયમોને અભરાઈએ ચડાવી દેવા તૈયાર થઈ ગઈ છે એ સ્પષ્ટ છે.
કેન્દ્ર સરકારનું આ હૃદય પરિવર્તન કેમ થઈ ગયું ? કેમ કે આ મુદ્દે પણ કોક્રોચ જનતા પાર્ટી જેનું મોટું આંદોલન થઈ જવાનો ફફડાટ છે. સાથે સાથે ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં ભાજપનું તપેલું ચડી જવાનો ડર પણ છે. યુજીસીના નવા નિયમો સામે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છે અને આ આક્રોશ શમ્યો નથી. ઉત્તર ભારતમાં હજુ દેખાવો થઈ રહ્યા છે અને વિરોધમાં યાત્રાઓ નિકળી રહી છે. આ વિરોધની અસર યુપીની ચૂંટણી પર પડે તો નાક વઢાઈ જાય તેથી કેન્દ્ર સરકાર હવે નમી છે, બાકી એક સમયે સરકાર સુપ્રીમ કોર્ટની વાત પણ સાંભળવા તૈયાર નહોતી.
આ નિયમોને રદ કરાવવા માટે અરજીઓ થયેલી ને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો. સુપ્રીમ કોર્ટે બબાલ વધે નહીં એ માટે જાન્યુઆરીમાં આ નિયમોના અમલ પર સ્ટે આપી દીધેલો. સુપ્રીમ કોર્ટે કહેલું કે, પહેલી નજરે જ આ નિયમોની ભાષા અસ્પષ્ટ લાગે છે તેથી તેનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે તો યુજીસી ઈક્વિટી રેગ્યુલેશન્સ,2026ના કારણે સમાજમાં ભાગલા પડી જશે એવો ડર પણ વ્યક્ત કરેલો.
સુપ્રીમ કોર્ટની ટીકા પછી કેન્દ્ર સરકારે ધાર્યું હોત તો આ નિયમો પાછા લઈ શકી હોત. તેના બદલે નવા નિયમો બનાવી શકાયા હોત પણ કેન્દ્ર સરકારે કશું ના કર્યું. ઊલટાનો ભાજપના પ્રધાનો આ નિયમોનો બચાવ કરતા હતા. સુપ્રીમ કોર્ટે પોતે કહેલું કે, આ નિયમોના કારણે ચોક્કસ જ્ઞાતિનાં લોકોને નિશાન બનાવીને દુરુપયોગ થવાનો ખતરો છે પણ ભાજપના પ્રધાનો આ વાત માનવા જ તૈયાર નહોતા. સુપ્રીમ કોર્ટે યુજીસીને નિયમો ફરીથી બનાવવા ફરમાન કરેલું પણ હજુ નવા નિયમો બનાવીને રજૂ કરાયા નથી તેનો મતલબ એ થયો કે, સરકારને આ નિયમો પડતા મૂકવામાં રસ નથી.
નીટનું પેપર લીક થયું તેના કારણે ઘરભેગા થઈ ગયેલા ધર્મેન્દ્ર પ્રધાન એ વખતે પણ શિક્ષણ મંત્રી હતા. નીટનું પેપર ફૂટ્યું એ જગજાહેર હોવા છતાં પેપર ફૂટ્યું નથી એવું જૂઠાણું ચલાવનારા ધર્મેન્દ્ર પ્રધાન એ વખતે પણ નરાતર જૂઠું બોલ્યા હતા કે, યુજીસીનો આ નિયમ એસસી, એસટી, ઓબીસી તેમજ સવર્ણો માટે પણ સમાન રીતે લાગુ થશે. નિયમમાં સ્પષ્ટ લખાયું છે કે, એસસી, એસટી અને ઓબીસી સમુદાયની ચિંતાઓને દૂર કરવા ઈક્વોલ ઓપોર્ચ્યુનિટી સેલ (ઇઓસી) બનાવવાનો છે ને તેમાં ક્યાંય સવર્ણોનો ઉલ્લેખ જ નથી છતાં પ્રધાન લોકોને બેવકૂફ બનાવતા હતા.
હવે છેક સાત મહિને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે કે, આ નિયમોના અમલ અંગે ફેરવિચારણા ચાલી રહી છે. આ રજૂઆત અંગે વિચારણા કરી શકાય તેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મહિનાનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકાર વતી યુજીસીને ચાર અઠવાડિયામાં વિસ્તૃત જવાબ આપવા માટે ફરમાન કરાયું છે. યુજીસી શું જવાબ આપશે એ ખબર નથી પણ મોટા ભાગે આ નિયમો પડતા મુકાય અને હાલ પૂરતા 2012ના જૂના નિયમો અમલી બનાવાય એવી પૂરી શક્યતા છે. એ સિવાય બીજી શું ફેરવિચારણા કરવાની હોય?
ભાજપ સરકારે આ બકવાસ નિયમો બનાવ્યા કેમ કે તેને એસસી, એસટી અને ઓબીસીના મતો જોઈએ છે. સવર્ણોના મતે ધિંગો થયેલો ભાજપ હવે સવર્ણોને કોરાણે મૂકીને બીજી જ્ઞાતિઓને પંપાળી રહ્યો છે. તેના ભાગરૂપે આ નિયમો બનાવાયેલા. યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 હેઠળ, તમામ કૉલેજો તથા યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં ઇક્વિટી સેલ એટલે કે ઈક્વોલ ઓપોર્ચ્યુનિટી સેલ (ઇઓસી) બનાવવો પડશે. આ સેલમાં એસસી, એસટી, ઓબીસી કે દિવ્યાંગ વિદ્યાર્થી પોતાની સાથે ભેદભાવ થયાનું લાગે તો ફરિયાદ નોંધાવી શકશે.
આ સેલ ફરિયાદના આધારે સુનાવણી કરીને સેલ જે તે સંસ્થાને ભલામણો કરે એ સ્વીકારવી ને તાત્કાલિક પગલાં લેવાં ફરજિયાત બનાવી દેવાયેલાં. ભલામણો ના માને તેની માન્યતા રદ કરી દેવાની અથવા ગ્રાન્ટ રોકી દેવાની પણ સેલ પાસે સત્તા હતી. આ નિયમો હેઠળ ફરિયાદી વિદ્યાર્થી, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ કે સંસ્થા સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરી શકે. સૌથી વાહિયાત વાત એ કે, આ ફરિયાદ માટે કોઈ પુરાવા આપવાની જરૂર નથી ને ઈક્વોલ ઓપોર્ચ્યુનિટી સેલ (ઇઓસી)ને દમ લાગે તો જેની સામે ફરિયાદ થઈ છે તેની સામે એસસી-એસટી એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ પણ નોંધાઈ શકે છે. આ કલમો હેઠળ કેસ થાય એટલે બિનજામીનપાત્ર વોરંટ નિકળે તેથી આરોપીએ સીધા જેલભેગા થવું પડે.
બીજી ખતરનાક વાત પાછી એ હતી કે, કોઈએ નોંધાવેલી ફરિયાદ ખોટી સાબિત થાય તો પણ તેને કોઈ સજા ના થાય કે કોઈ પગલાં ના લેવાય. મતલબ કે, દલિત, આદિવાસી કે ઓબીસી સમુદાય સિવાયના વિદ્યાર્થીઓ સાથે કોઈ ખોટી ફરિયાદ કરી દે તો પણ તેમનો કોઈ વાળ વાંકો ના કરી શકે. બંધારણની સમાનતાની જોગવાઈનો ધરાર ભંગ કરનારા આવા નિયમો રદ કરવા જરૂરી જ છે.
માનો કે મોદી સરકાર અત્યારનો કપરો સમય કાઢવા માટે વાતને ટલ્લે ચડાવતી હોય તો તેમાં દેશનું ભલું નથી. સરકાર યુપી સહિતનાં રાજ્યોની ચૂંટણી પછી નવી બોટલમાં જૂનો દારૂ ભરવાનો ખેલ કરીને જૂના નિયમોને નવાં વાઘાં પહેરાવીને રજૂ કરશે તો પણ બબાલ થશે જ. અત્યારે કોઈ નવા નિયમો નથી તેથી શાંતિ છે પણ જેવા નવા નિયમો આવશે એવી મગજમારી પાછી શરૂ થશે. આ સ્થિતિ પેદા ના થાય એ માટે આખી વાતને અભરાઈ પર ચડાવી દેવામાં જ શાણપણ છે.