ગાંધીનગર: ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)એ ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં રૂ.11,479 કરોડનું રેકોર્ડબ્રેક ટર્ન ઓવર મેળવીને સહકારી ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. આ સંસ્થાએ રૂ.152.63 કરોડનો ગ્રોસ પ્રોફિટ અને કરવેરા બાદ રૂ. 60 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ નાણાકીય સફળતાને પગલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભા
ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કૃષિ પ્રધાન જીતુ વાઘાણી, ગુજકોમાસોલ અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, તથા વાઈસ ચેરમેન બિપીન પટેલ (ગોતા) સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના લેખાજોખા જાહેર કરાયા હતા. જે મુજબ ચાલુ વર્ષ દરમિયાન સંસ્થાના ફંડમાં રૂ. 61.88 કરોડનો ઉમેરો થતાં રીઝર્વ તથા અન્ય ફંડો વધીને રૂ. 216 કરોડ થઈ ગયા છે. આ સાથે જ કાયમી મિલકતોમાં પણ રૂ. 48.92 કરોડ જેટલો વધારો નોંધાયો છે.
જંતુનાશક દવાનું ટર્નઓવર પણ વધીને રૂ.3.13 કરોડ થયું
જ્યારે જંતુનાશક દવાનું ટર્નઓવર પણ વધીને રૂ.3.13 કરોડ થયું છે. વધુમાં ટેકાના ભાવની ખરીદી અંતર્ગત રૂ.8,680 કરોડની રકમથી 12.27 લાખ મેટ્રિક ટન મગફળી, ચણા, સોયાબીન, રાયડો અને કઠોળની પૂર્ણ પારદર્શકતા સાથે ખરીદી કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજકોમાસોલે ખેડૂતોને રૂ. 2115 કરોડના મૂલ્યનું 17.59 લાખ મેટ્રિક ટન ખાતર અને રૂ. 114.79 કરોડના ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઇડ બિયારણો પૂરા પાડ્યા છે.
રૂ. 8.37 કરોડની ભાડાની આવક
ગુજકોમાસોલએ 145 ગોડાઉનો થકી રૂ. 8.37 કરોડની ભાડાની આવક ઊભી કરી છે. કર્મચારીઓના વ્યાપક હિતમાં નિવૃત્તિ વયમર્યાદા 58 થી વધારીને 60 વર્ષ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ આ વાર્ષિક સાધારણ સભા લેવાયો હતો