નવી દિલ્હીઃ જંતરમંતર પર જેન-ઝીના વિરોધ પ્રદર્શન દરમિયાન 20 જુલાઈના રોજ પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થનારા સાહિલ લોચબના કેસમાં દિલ્હી પોલીસે આજે પાર્લામેન્ટ સ્ટ્રીટ ચોકીમાં એક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસને લઈ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લગભગ સાત કલાક સુધી પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યાં હતા. આ પછી પોલીસે પરિવારની ફરિયાદ નોંધી હતી અને આ વિષય પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ન્યાય અપાવવાની દિશામાં આ પહેલું પગલું છે.
દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી
દિલ્હી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી લીધી છે. આ ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. વ્યક્તિના શરીરમાંથી છરા ઘૂસી ગયા છે. ત્રણ છરા એની આંખમાં લાગ્યા છે. એને વ્યવસ્થિત રીતે દેખાતું પણ નથી. આ યુવાન સાથે જે થયું એ યોગ્ય નથી અને અન્યાય થયો છે. સવારે 11 વાગ્યે અહીંયા અમે આવી ગયા અને સાંજે 7 વાગ્યે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
દેશમાં કેટલીય યુવતી સાથે દુષ્કર્મ થાય છે, કેટલાય બાળકોની હત્યા થાય છે. કેટલાય લોકોને ગોળી મારી દેવામાં આવે છે. આવા તો કેટલાય લોકોના શરીરમાં છરા ઘૂસી ગયા હશે. હવે થોડું વિચારો કોઈ ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કે નાના શહેરના પોલીસ સ્ટેશનમાં શું સ્થિતિ હશે? રાહુલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મેં કંઈ ખોટું કર્યું નથી. એક ભારતીય નાગરિક સાથે એના માતા-પિતા માટે ન્યાય માગ્યો છે. આ માટે આઠ કલાકનો સમય થયો છે.
ન્યાયને રોકી રાખવાની વાત
અંતિમ સ્વીકૃતિ ગૃહસચિવ અને ખુદ અમિત શાહ તરફથી આવવાની હતી.આ પછી FIR નોંધવામાં આવી છે. આ પરથી તમે સમજી શકો છો કે, FIR કોને રોકીને રાખી હતી. ન્યાય પર બ્રેક ઉપરથી લગાવવામાં આવી રહી છે. આ પોલીસ ફરિયાદ એવા સમયે આવી છે જ્યારે રાહુલ ગાંધી પોતાની સાથે ઈજાગ્રસ્ત સાહિલ લોચબને લઈને DCP ઓફિસે પહોંચ્યા હતા. સંસદમાં ઘેરાવ દરમિયાન પોલીસ તરફથી જે બળ પ્રયોગ કરવામાં આવ્યો એની સામે ફરિયાદ નોંધવાની વાત છે. આ વાતને લઈને તેઓ ધરણા કરવા માટે પોલીસ સ્ટેશન સામે બેઠા હતા.
કોંગ્રેસની રાજકીય હતાશાઃ ભાજપ
ભાજપના કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ કહ્યું કે, ગાંધીજીના ધરણા વિદ્યાર્થીઓ માટે કે ન્યાય માટે ન હતા. તે કોંગ્રેસની "રાજકીય હતાશા" દર્શાવે છે. તેમણે કહ્યું કે આજે, સમગ્ર રાષ્ટ્રએ ફરી એકવાર સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર રાહુલ ગાંધીના ધ્યાન ભંગ કરવાના તુચ્છ રાજકારણનો સાક્ષી બન્યો. અહીં પત્રકારો સાથે વાત કરતા, નડ્ડાએ ટિપ્પણી કરી કે રાહુલ ગાંધીનો આ વિરોધ વિદ્યાર્થીઓ માટે કે ન્યાય માટે નથી. તે કોંગ્રેસ પાર્ટીની રાજકીય હતાશા અને મીડિયા ધ્યાન મેળવવાની રાહુલ ગાંધીની ભૂખમાંથી ઉદ્ભવે છે.