Sun Sep 13 2026

Logo

હોટેલ શરૂ કરવાના સપનાએ ડ્રગ પેડલર બનાવી! અમદાવાદમાં ભાવનગરની યુવતી MD ડ્રગ્સ સાથે પકડાઈ

2026-08-20 13:01:00
Author: Mayur Patel
હોટેલ શરૂ કરવાના સપનાએ ડ્રગ પેડલર બનાવી! અમદાવાદમાં ભાવનગરની યુવતી MD ડ્રગ્સ સાથે પકડાઈ

અમદાવાદ: મૂળ ભાવનગરની અને હાલ અમદાવાદમાં રહીને BBAમાં ભણતી એક યુવતી ડ્રગ્સ સાથે ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. ભાવનગરની આ 24 વર્ષીય યુવતી પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા માટે એક હોટલ શરૂ કરવા માંગતી હતી, પરંતુ ઝડપથી પૈસા કમાવવાની લાલચે તે ડ્રગ પેડલર  બની ગઈ હતી. વસ્ત્રાપુર તળાવ નજીકની એક હોટલમાંથી 21.5 ગ્રામ MD ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.

યુવતી પાસેથી શું શું મળ્યું

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે મંગળવારે સાંજે આશરે 5:25 વાગ્યે 'હોટેલ લેક પેલેસ'ના રૂમ નંબર 205માં દરોડો પાડ્યો હતો. ડ્રગ્સ ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન, એક ડિજિટલ પોકેટ વજન કાંટો, 88 ખાલી ઝિપ પાઉચ અને એક બેગ જપ્ત કરી હતી. 

MD ડ્રગ્સની કિંમત રૂ. 64,530 આંકવામાં આવી હતી, જ્યારે જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની કિંમત રૂ. 71,230 થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, વજન કાંટો અને ખાલી પાઉચ મળવાથી આ ડ્રગ્સનું આગળ છૂટક વેચાણ કરવાનું હોવાની આશંકા છે.

પિતાના અવસાન બાદ કમાનારી એકમાત્ર સભ્ય

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી ગોતાની એક કોલેજમાંથી BBAનો અભ્યાસ કરી રહી છે. કેટલાક વર્ષો પહેલાં તેના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તે તેના પરિવારમાં કમાતી એકમાત્ર સભ્ય છે. પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોવાથી તે કામની શોધમાં હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તે મૂળ ધ્રાંગધ્રાના અને હાલ ધોળકા રોડ પરના બદરખા ગામમાં રહેતા એક શખ્સના સંપર્કમાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે, તેણે યુવતીને ડ્રગ્સ પહોંચાડવા બદલ પૈસા આપવાની ઓફર કરી હતી. રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે જરૂરી નાણાં મળી રહેશે તેવી આશામાં તેણે આ કામ સ્વીકારી લીધું હતું.

ચાર દિવસથી હોટલમાં રોકાઈ હતી

પોલીસે જણાવ્યું કે, યુવતી PGમાંથી નીકળીને છેલ્લા ચાર દિવસથી વસ્ત્રાપુરની આ હોટલમાં રોકાઈ હતી. ડ્રગ્સ સપ્લાય કરાવનાર મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને અમદાવાદ કે અન્ય સ્થળોએ તે કોને પહોંચાડવાનો હતો તેની પોલીસ તપાસ કરી રહી છે.