Sun Aug 23 2026

Logo

રાણીપમાં એએનટીએફના દરોડા: 1.22 લાખના ચરસ સાથે આરોપી ઝડપાયો, બે મહિલાની શોધખોળ શરૂ

2026-08-20 17:38:16
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
શહેરના રાણીપ વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સએ (એએનટીએફ) દરોડો પાડી 490 ગ્રામ ચરસના જથ્થા સાથે 41 વર્ષીય ઇરફાનખાન નસીબખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ જપ્ત કરાયેલા ચરસની કિંમત અંદાજે રૂ.1.22 લાખ છે. આ મામલે પકડાયેલા આરોપી ઉપરાંત ચેનપુરમાં રહેતી ‘સોની’ અને ‘સુનીતા’ નામની બે મહિલાઓની ભૂમિકા સામે આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. બંને હાલ પોલીસની પકડથી બહાર છે. પોલીસે એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મુજબ એએનટીએફને બાતમી મળી હતી કે રાણીપ પોલીસ સ્ટેશન સામે આવેલા ન્યૂ પ્રેમનગરના છાપરામાં ઇરફાનખાન ચરસ તથા ગાંજાનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી કાર્યવાહી શરૂ કરી હતી. આ ચોક્કસ માહિતીના આધારે ટીમે નવરંગપુરા ફાયર સ્ટેશનના જવાનોને પંચ તરીકે સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમે ઈરફાનખાનના મકાનમાં તપાસ કરતા, ટીવી મુકવાના પથ્થર નીચે સંતાડેલા ગોદડાની વચ્ચેથી પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં સેલોટેપથી વીંટેલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ શંકાસ્પદ પદાર્થ ચરસ હોવાનું પ્રાથમિક એફએસએલ પરીક્ષણમાં બહાર આવ્યું હતું. બે ટુકડામાં મળેલા પદાર્થનું નેટ વજન 490 ગ્રામ નોંધાયું હતું. પોલીસે ચરસ ઉપરાંત મોબાઇલ ફોન, આધારકાર્ડ અને લાઇટ બિલ પણ તપાસ અર્થે કબજે કર્યા હતા. પૂછપરછ દરમિયાન ઇરફાનખાને દાવો કર્યો હતો કે ચેનપુરમાં રહેતી સુનીતાના મોબાઇલ પરથી તેની બહેન સોનીએ ફોન કરીને 500 ગ્રામ ચરસનો જથ્થો હોવાની વાત કરી હતી. ત્યારબાદ બપોરે આશરે 3થી 3.30 વાગ્યે સોનીની બહેન સુનીતા તેને ચરસનો જથ્થો આપી ગઈ હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે આ નિવેદનના આધારે સોની અને સુનીતાની શોધખોળ શરૂ કરી હતી.