Sun Oct 04 2026

Logo

‘કોંગ્રેસ માટે સંસદ કરતા પાર્ટી વધારે મહત્વની...’, અમિત શાહે કોંગ્રેસ પર લગાવ્યો મુસ્લિમ તુષ્ટિકરણ આરોપ

2026-08-20 14:21:00
Author: Vimal Prajapati
‘કોંગ્રેસ માટે સંસદ કરતા પાર્ટી વધારે મહત્વની...’, અમિત શાહે કોંગ્રેસ પર લગાવ્યો મુસ્લિમ તુષ્ટિકરણ આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી 15 ઓગસ્ટે તેમના મુખ્યાલયમાં ગાયેલા ‘વંદે માતરમ’ને લઈને વિવાદમાં ઘેરાયેલી રહી છે. કોંગ્રેસ પાર્ટી પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પાર્ટીએ ‘વંદે માતરમ’નું અપમાન કર્યું છે. કાર્યક્રમમાં કોંગ્રેસ ‘વંદે માતરમ’ને વચ્ચે રોકી દેવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિવાદ પછી કોંગ્રેસના અનેક નેતાઓ મીડિયા સાથે વાત કરીને પોતાના નિવેદનો આપ્યાં હતાં. ગઈ કાલે દિલ્હામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે કોંગ્રેસ પાર્ટીએ એવો નિર્ણય કર્યો કે, તેઓ કોંગ્રેસના કાર્યક્રમમાં 1937ની બેઠકમાં નક્કી કરાયેલા બે છંદોનું જ ગાન કરશે! આ મુદ્દે હવે મુદ્દો વધારે ઉગ્ર બની રહ્યો છે. 

કોંગ્રેસ માટે સંસદ કરતા વધારે પાર્ટી મહત્વની છે

કોંગ્રેસના આ નિર્ણયનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરમાં વિરોધ કર્યો અને કહ્યું કે, ‘કોંગ્રેસ માટે સંસદ કરતા વધારે પાર્ટી મહત્વની છે’. આ સાથે કોંગ્રેસનો આ નિર્ણય મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ છે, તેવો પણ અમિત શાહે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ દ્વારા વારંવાર આવા નિર્ણયો લેવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ માટે દેશ અને સંસદ કરતા પાર્ટી વધારે મહત્વપૂર્ણ છે અને કોંગ્રેસ 1937 થી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરતું આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 

‘વંદે માતરમ’ના માત્ર 2 શ્લોક ગાવાનું નક્કી કરી કોંગ્રેસ કાયદાનો ભંગ કર્યો

મીડિયા સાથે વાત કરતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ‘વડા પ્રધાન મોદીની સરકારે સરકારી કાર્યક્રમોમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની અમર રચનાનું ગાન ફરજિયાત બનાવતો કાયદો ઘડ્યો છે. જોકે, કોંગ્રેસ ફક્ત બે શ્લોક ગાવાનું નક્કી કરીને આ કાયદાનો ભંગ કરી રહી છે, જેના કારણે બંધારણ હેઠળ રચાયેલા કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરી રહી છે. વધુમાં કહ્યું કે, 1937માં પણ કોંગ્રેસે આવું કરીને દેશના ભાગલા કરવાનો પાયો નાખ્યો હતો. અત્યારે ફરી પણ કોંગ્રેસે ‘વંદે માતરમ’ના બે છંદ ગાવાનું નક્કી કરીને વિરોધ શરૂ કર્યો છે. 1937માં પણ કોંગ્રેસના આ નિર્ણયના કારણે બે દેશના વિચારને વેગ મળ્યો અને ભારત દેશના ભાગલા થયા હતાં’.

 

કોંગ્રેસનો આ નિર્ણય મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ છે

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, ‘મોદી સરકારે રાષ્ટ્રીય એક્તાને વધારે મજબૂત કરવા માટે કોંગ્રેસે 1937માં જે ભૂલ કરી હતી, તેને સુધારી અને સંપૂર્ણ ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત કરીને કાયદો બનાવ્યો છે. પરંતુ ફરી કોંગ્રેસ દ્વારા ‘વંદે માતરમ’ને લઈને વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો છે, જે સ્પષ્ટ રીતે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ હોવાનું સાબિત થાય છે. કોંગ્રેસ માત્ર બંકિમ બાબૂની રચનાનું જ નહીં પરંતુ દેશની આઝાદી માટે જે લાખો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે તેમનું પણ અપમાન કર્યું છે’.