(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: મુંબઈથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં એક ૪૫ વર્ષીય વિદેશી નાગરિકના રહસ્યમય સંજોગોમાં મોતથી ચકચાર મચી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, બાંદ્રા ટર્મિનસથી દિલ્હી જઈ રહેલી ટ્રેન ગુજરાતમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આગળના જનરલ કોચમાં એક વિદેશી નાગરિક મુસાફરો સાથે ઉગ્ર બોલાચાલી કરતો હોવાની માહિતી રેલવે કંટ્રોલ રૂમને મળી હતી.
આરપીએફના જવાનો કોચમાં પહોંચ્યા ત્યારે વિદેશી નાગરિક કથિત રીતે આક્રમક વર્તન કરી રહ્યો હતો. તેને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મામલો વધુ વણસ્યો અને મુસાફરો સાથે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન તેણે ટ્રેનમાં રાખેલુ ફાયર એક્સ્ટિંગ્વિશર ઉઠાવી મુસાફરો પર સ્પ્રે કરતાં કોચમાં અફડાતફડી મચી હતી ત્યાર બાદ બે મુસાફરોએ તેને પકડી માર માર્યો હોવાની પણ માહિતી સૂત્રોએ જણાવી હતી.
સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર, મામલો ગંભીર બનતાં સુરત કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ મોડી રાત્રે પહોંચતાં આશરે 15થી 20 જીઆરપી અને આરપીએફના જવાનો કોચમાં પહોંચ્યા હતા. ભારે મુશ્કેલી બાદ સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી અને વિદેશી નાગરિક સહિત મારામારીમાં સામેલ ત્રણ મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી સુરત આરપીએફ પોસ્ટ પર પૂછપરછ માટે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિદેશી નાગરિક અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. રેલવેના તબીબે તપાસ કર્યા બાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સુરત રેલવેના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દરવાજા પાસે ઊભા રહેવા બાબતે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો અને ત્રણ લોકોને પૂછપરછ માટે ઉતારવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી પાસપોર્ટ, વિઝા, ઓળખકાર્ડ કે પર્સ મળ્યું નહોતું, પરંતુ તેનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલમાં રહેલી માહિતીના આધારે તેની ઓળખ અને રાષ્ટ્રીયતા જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું હતું.
ડૉક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહ પર કોઈ ગંભીર બાહ્ય ઈજા જોવા મળી નહોતી. પોસ્ટમોર્ટમ દરમિયાન લોહી અને પેશાબના નમૂના લેવામાં આવ્યા હતા અને દારૂ, ડ્રગ્સ, અન્ય નશીલા પદાર્થોનું સેવન થયું હતું કે નહીં તે જાણવા એફએસએલમાં મોકલવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. સાથે જ હિસ્ટોપેથોલોજી તપાસ માટે જરૂરી નમૂનાઓ પણ સાચવવામાં આવ્યા છે, જેથી હૃદય કે અન્ય અંગોમાં કોઈ ગંભીર બીમારી હતી કે નહીં તે જાણી શકાય.