Mon Oct 05 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ ઝડપી લાગણી વિરુદ્ધ ધીમી સમજદારી

2026-08-20 09:12:00
Author: Shweta Joshi Antani
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ ઝડપી લાગણી વિરુદ્ધ ધીમી સમજદારી

 

શ્વેતા જોષી અંતાણી

વેદિકાએ ફોન હાથમાંથી લગભગ ફેંકી દીધો. સ્ક્રીન પર મીરાંનો છેલ્લો મેસેજ હતો. ‘કાલે વાત કરીશું.’ બસ,  ચાર શબ્દો, પણ સોળ વર્ષની વેદિકાના મનમાં એ ચાર શબ્દએ જાણે ઘમાસાણ મચાવી દીધેલું. છેલ્લા બે કલાકમાં એણે મીરાંના લગભગ બધા જૂના મેસેજ વાંચી નાખ્યા. ઇન્સ્ટા અને સ્નેપચૅટ પર ખાંખાખોળા કરી લીધા. એ ત્યાં ઍક્ટિવ હતી, વેદિકાએ જોયું. બસ, થઈ રહ્યું. આનો એક જ નિષ્કર્ષ નીકળતો હતો:  ‘મીરાં હવે મારી બેસ્ટ ફ્રેન્ડ રહેવા માગતી નથી.’ 

વેદિકાએ ગુસ્સામાં એક લાંબો મેસેજ લખ્યો. ‘હવે તારે મારી સાથે ફ્રેન્ડશિપ રાખવી હોય તો રાખ, નહીં તો મને કોઈ ફરક પડતો નથી. એની આંગળી સેન્ડ બટન પર હતી. થોડી ક્ષણ માટે એ અટકી, પણ અંદરથી ઉઠેલા ગુસ્સાએ જેટ સ્પીડે નિર્ણય લઈ લીધો. બટન દબાય ગયું. મેસેજ મોકલાય ગયો. પાંચ મિનિટ. દસ મિનિટ. પંદર મિનિટ. સામેથી કોઈ જવાબ નહીં. હવે વેદિકાને પોતાની ઉતાવળ પર ગુસ્સો આવવા લાગ્યો, પણ મેસેજ પાછો ખેંચી શકાય તેમ નહોતો.

આ જ તો છે ટીનએજની કરમ કઠણાઈ. અહીં  લાગણીઓ બેકાબૂ બની દોડતી હોય છે અને સમજણ એની પાછળ ઢસડાતી ચાલે. જોકે એ રાત્રે વેદિકાને ખબર નહોતી કે આ માત્ર તેની મિત્રતા વિશેની વાત નહોતી. એના મગજમાં જ એક એવી પ્રક્રિયા ચાલી રહી હતી, જેને સમજવાથી કદાચ વેદિકા પોતાને પણ થોડી વધુ સમજવા લાગશે.

બીજા દિવસે સવારે મીરાં સ્કૂલમાં આવી ત્યારે તેના હાથમાં ફોન નહોતો. ‘કાલે હું આખી રાત હૉસ્પિટલમાં હતી,’ એણે ધીમેથી કહ્યું. ‘મમ્મીને અચાનક હૉસ્પિટલ લઈ જવી પડેલી.’ 

વેદિકા અવાક્ રહી. એને પોતાના મોકલેલા મેસેજની યાદ આવી. એક જ ક્ષણમાં ગુસ્સો ક્ષોભમાં બદલાઈ ગયો. અને ક્ષોભ અફસોસમાં. એને સમજાયું કે પોતે જે જોયું હતું એ હકીકત નહોતી. એ તો એના મગજે આવેશમાં કાઢેલો ક્યાસ હતો.

એ દિવસે ઘરે આવીને વેદિકા અસામાન્ય રીતે શાંત હતી. પપ્પાએ કંઈ પૂછ્યું નહીં. એમણે માત્ર વેદિકા સામે મગજનું એક નાનું ચિત્ર દોર્યું. ‘આપણા મગજમાં એક ભાગ છે. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ-ફ્રન્ટલ લોબનો આ આગળનો વિસ્તાર નિર્ણય લેવાની, આયોજન કરવાની, ધ્યાન રાખવાની, પરિણામો વિશે વિચારવાની અને તરત આવતાં ઇમ્પલ્સ પર નિયંત્રણ રાખવાની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’

વેદિકા ચિત્ર તરફ જોતી રહી. ‘અને આ બધું ટીનએજમાં?’
‘હા, ટીનએજમાં મગજ હજી વિકાસશીલ હોય છે. આ ભાગ અને મગજના બીજા વિસ્તારો વચ્ચેનાં જોડાણો સમય સાથે વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનતાં જાય છે  એટલે ક્યારેક લાગણી બહુ તીવ્રતાથી અનુભવાય છે અને વિચાર કરવાની ક્ષમતા થોડી વાર પછી એની સાથે જોડાય છે.’ 

વેદિકા ધીમેથી બોલી:  ‘એટલે હું પહેલાં મેસેજ કરી નાખું છું અને પછી વિચારું છું?’ 
પપ્પા હસ્યા. : ‘ક્યારેક.’
‘તો હું બેજવાબદાર છું?’ વેદિકાએ ફરી પ્રશ્ન કર્યો.
‘ના. મગજનો વિકાસ સમજવો એટલે જવાબદારીમાંથી છૂટવું નહીં. એ સમજવું કે તારે કઈ ક્ષણે થોભીને વિચારવાનું વધુ શીખવું છે.’
‘વેદિકા પહેલી વાર પોતાના વર્તનને ‘હું આવી જ છું’ કહી સ્વીકારવાને બદલે એને સમજવાનો પ્રયાસ કરી રહી હતી.

થોડાં અઠવાડિયાં પછી ગણિતની પરીક્ષામાં એને સાંઇઠ માર્ક્સ મળ્યા. એની મિત્ર રિયાને પંચ્યાશી. વેદિકાને ફરી લાગ્યું. ‘હું રિયા જેટલી હોશિયાર નથી.’ ઘરે આવી એણે બૅગને રીતસર ફેંકી દીધી. પણ આ વખતે એણે તુરંત રડવાનું કે કોઈને જવાબ આપવાનું શરૂ ના કર્યું. એ બારી પાસે ઊભી રહી. જાતને પૂછ્યું, 

‘મને જે નિષ્ફળતા લાગી રહી છે એ ખરેખર સાચું છે?’ થોડીવાર પછી ફરી વિચાર ઝબૂક્યો. ‘ના. એના ત્રણ પ્રશ્નો ખોટા હતા, કારણ કે એણે ઉતાવળમાં વાંચ્યા હતા.’

એક દિવસ સ્કૂલમાંથી ઘરે આવતી વખતે રિયાએ કહ્યું, ‘ચાલ, આજે ક્લાસ બંક કરીને કૅફે જઈએ.’ વેદિકાને ખૂબ મન થયું. એક ક્ષણ માટે વિચાર આવ્યો. બધા જાય છે. હું જ કેમ નહીં? પણ પછી એને પપ્પાની વાત યાદ આવી: ‘લાગણીને રોકવી એટલે તેને દબાવી દેવી નહીં. લાગણીને ઓળખીને પછી નિર્ણય લેવો.’ 

એ થોડીવાર ચૂપ રહી. પછી બોલી: આજે નહીં. શનિવારે જઈએ.’ આ નિર્ણય એના માટે- મગજ માટેની એક નાની કસરત સમાન હતો, કારણ કે મગજ પણ અનુભવોથી જ શીખે છે. કયો નિર્ણય યોગ્ય હતો, ક્યાં ઉતાવળ થઈ, ક્યાં થોભવું જોઈએ અને ક્યાં પોતાની લાગણીને થોડી સંભાળવી જોઈએ. ટીનએજ એટલે માત્ર શરીરમાં થતા ફેરફારોની ઉંમર નહીં. આ એવી ઉંમર છે જ્યાં લાગણીઓ ઘણી વાર ખૂબ ઊંચા અવાજે બોલે છે અને વિચારવાની ક્ષમતા હજી પોતાનો અવાજ ધીરે ધીરે મજબૂત કરી રહી હોય છે.

ફ્રન્ટલ લોબનો વિકાસ એટલે કોઈ એક દિવસે અચાનક ‘સમજદાર’ બની જવું નહીં. મગજના વિવિધ ભાગો વચ્ચેના કનેક્શન અને નેટવર્ક લાંબા સમય સુધી વિકસતા રહે છે એટલે જ ટીનએજર્સ ક્યારેક અદ્ભુત પરિપક્વ નિર્ણય લઈ લે છે તો બીજી જ ક્ષણે એવી ઉતાવળ કરી બેસે છે કે આપણને પ્રશ્ન થાય કે આને આટલું પણ સમજાતું નથી?’ પરંતુ કદાચ વાત સમજાતી નથી એટલી સરળ નથી. કદાચ તે ક્ષણે એની લાગણી સમજણ કરતાં આગળ દોડી ગઈ હોય. અને એટલે જ ટીનેજરને દરેક વખતે લાંબો ઉપદેશ આપવાને બદલે ક્યારેક એક નાનો વિરામ આપવો જરૂરી છે.

‘થોભો અને ફરી વિચારો’નું સૂત્ર વેદિકાએ પણ શીખવાનું શરૂ કર્યું. એ બદલાઈ નહોતી. હજી ગુસ્સે થતી. હજી ક્યારેક ઉતાવળ કરતી. ભૂલો કરતી. પણ હવે એને પોતાની અંદર એક નાનકડું Pause Button દેખાવા લાગ્યું હતું. બીજાઓ આપણને સમજવા લાગે એ પહેલાં, આપણે પોતાના દિમાગને સમજવાનું શરૂ કરીએ, કદાચ એ જ પરિપક્વ થવાની શરૂઆત હોતી હશે.