અમદાવાદઃ મેલેરિયા સહિત ઘણા રોગનું કારણ મચ્છર છે. આ મચ્છરનો ઉપદ્રવ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરમાં આવે છે. વર્ષ 2026ના અત્યાર સુધીના (33 અઠવાડિયા)ના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 45.0%, ડેન્ગ્યુમાં 39.1% અને ચિકનગુનિયામાં 48.1%નો ઘટાડો નોંધાયો છે.
મેલેરિયાના કેસ 1,407થી ઘટીને 774, ડેન્ગ્યુના કેસ 1,293થી 788 અને ચિકનગુનિયાના કેસ 154થી ઘટીને 80 થયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2025ના સપ્તાહ-33 સુધીમાં 1 કરોડ 9 લાખથી વધુ રક્ત નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મેલેરિયાના 1,407 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2026માં આ જ સમયગાળા દરમિયાન 1 કરોડ 11 લાખથી વધુ રક્ત નમૂનાઓના પરિક્ષણ બાદ મેલેરિયાના કેસોની સંખ્યા ઘટીને 774 થઈ છે. તો ડેન્ગ્યુના કેસો 1,293થી ઘટીને 788 અને ચિકનગુનિયાના કેસો 154થી ઘટીને 80 થયા છે. આ સમયગાળા દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ગુજરાત સરકારે ઘરોઘર સર્વેલન્સ હાથ ધર્યું છે.
ગુજરાત સરકારના આ વિશેષ અભિયાનમાં રોગ નિયંત્રણની સાથે મચ્છરોના પ્રજનનને અટકાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘર-ઘર સર્વેલન્સ દરમિયાન રાજ્યમાં મચ્છરના 29 લાખ 63 હજારથી વધુ ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ 3 લાખ 21 હજારથી વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મેલેરિયાની દૃષ્ટિએ સંવેદનશીલ 24 જિલ્લાઓના 116 ગામોની લગભગ 1 લાખથી વધુની વસ્તીને જંતુનાશક દવાના છંટકાવના પ્રથમ રાઉન્ડમાં આવરી લેવામાં આવી છે. જ્યારે બીજા રાઉન્ડનો છંટકાવ 1 ઑગસ્ટ, 2026થી શરૂ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં તાવ સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ વેગ આપવા માટે રાજ્યના જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં 497 વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે.
મચ્છરોના લાર્વાના નિયંત્રણ માટે જુલાઈ 2026ના અંત સુધીમાં રાજ્યમાં 5,024 કાયમી જળ ભરાવવાળા સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓ છોડવામાં આવી છે. મચ્છરોના પ્રજનનને શરૂઆતી તબક્કામાં જ નિયંત્રિત કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જરૂરી દવાઓ, લાર્વિસાઇડ્સ અને આવશ્યક સાધનોનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વાહકજન્ય રોગોની સ્થિતિ પર દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ મચ્છર દિવસ દર વર્ષે ૨૦ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસ દ્વારા ૧૮૯૭માં કરવામાં આવેલી એ શોધની યાદમાં ઉજવાય છે, જેમાં તેમણે સાબિત કર્યું હતું કે માણસોમાં મેલેરિયા ફેલાવવામાં માદા મચ્છર જવાબદાર છે.